બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ મોરબી : મોરબીના બિલિયા ગામે અંગત અદાવતમાં આધેડને બે શખ્સોએ લાકડીથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી રુપાભાઈ ધારાભાઈ મુધવા (ઉ.વ. ૫૦, રહે. બિલીયા ગામ, સોવારીયા પ્લોટ, મોરબી) એ આરોપીઓ નવઘણભાઈ ઉર્ફે લાલો કરમશીભાઈ ગમારા લખમણભાઈ વાસાભાઈ વહેરા (બંન્ને રહે હરીપર ગામ, તા. ભુજ, જી. કચ્છ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૯ ના રોજ બિલીયા ગામ પાસે આરોપીઓએ ફરીયાદીને જણાવેલ કે મારે તમારી દિકરી જોઈતી નથી મને મારો દિકરો આપી દયો તેમ કહેતા ફરીયાદીએ દિકરો સોપવાની ના પાડતા આવેશમા આવીને ફરીયાદી સાથે બંન્ને આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપીને આરોપીઓએ પોતાના હાથમા રહેલ લાકડીથી ફરીયાદીને માથામા ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.