મોરબી શહેરમાં પ્રથમ વરસાદમાં જ મોટાભાગના રોડ-રસ્તાની સાથે તંત્રની આબરૂનું પણ ધોવાણ અગાઉથી ઉબડ-ખાબડ રહેલા તમામ રસ્તાઓની વરસાદથી પથારી ફરી ગઈ રોડ ઉપર વાહન લઈને નીકળવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરાબર સોશ્યલ મીડિયામાં ઉગ્ર આક્રોશ : તંત્ર રોડની હાલત સુધારે તેવી જાગૃત નાગરિકોની માંગ મોરબી : મોરબીમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. જેમાં વરસાદથી મોટાભાગના રોડ રસ્તાની સાથે તંત્રની અબરુનું ધોવાણ થયું છે. એક પણ માર્ગ એવો બચ્યો નથી કે જે ચાલવા યોગ્ય હોય. જોકે અગાઉથી ઉબડ ખાબડ રહેલા રસ્તાઓની વરસાદથી વધુ પથારી ફરી ગઈ છે. રોડ ઉપર વાહન લઈને નીકળવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. આથી, સોશ્યલ મીડિયામાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. જેથી, જન આંદોલન થાય તે પહેલાં તંત્ર રોડની હાલત સુધારે તેવી જાગૃત નાગરિકોએ ટકોર કરી છે. મોરબીમાં પ્રથમ વરસાદે મોટાભાગના રોડ રસ્તાની ઘોર ખોદી નાખી છે. વરસાદને કારણે માર્ગો એટલી ખરાબ બની ગયા છે કે રોડ પર વાહન લઈને તો ઠીક પણ પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. વાહન ચાલક કોઈ પણ રોડ પર નીકળવાની કોશિશ કરે તો સામે ચાલીને અકસ્માત આમંત્રણ આપવા બરોબર છે. શહેરના રવાપર રોડ, વાવાડી રોડ, જુના બસસ્ટેન્ડ રોડ, ગાંધીચોક, પરાબજાર, શનાળા રોડ, ઉમિયા સર્કલ, સામાંકાંઠે, શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ સહિતના મોટાભાગના માર્ગોની ભંગાર હાલત થઈ ગઈ છે. મોરબીનો એક પણ માર્ગ એવો બચ્યો નથી જ્યાં ખાડા-ખબડા પડ્યા ન હોય. મોટાભાગના માર્ગો ખાડાના અખાડામાં ફેરવાય ગયા છે. રોડ પર એટલી હદે ખાડા પડયા છે કે આ તે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ! તેવી રોડની કપરી દુર્દશા થઈ ગઈ છે. ખરાબ રોડ પર નીકળતા વાહન ચાલકોના વારંવાર પડવા આખડવાથી હાથ પગ ખોખરા થઈ રહ્યા છે. મોરબીનો એકપણ માર્ગ સારો રહ્યો નથી. આ સ્થિતિ તંત્ર માટે શરમજનક છે. છતાં તંત્ર એટલે હદે બેશરમ બની ગયું છે કે લોકોની દરેક રજુઆતોને ડૂચો વાળી દે છે. જ્યારે મોરબીના કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોરબીની પેરિસ બનાવાની સુફયાણી વાતો કરનારા કોઈ રાજકીય નેતા કે આગેવાનોને આ રોડની હાલત નહીં દેખાતી હોય? શુ મોરબીમાં ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ આંધળા બની ગયા છે? હાલ તો રસ્તાની ગંભીર સ્થિતિથી સહનશીલ ગણાતી મોરબીની પ્રજા અને ખાસ તો યુવાનોની સહન શક્તિ હવે ખૂટી છે. અને તે બાબતનો આક્રોશ સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે લોકોનો આક્રોશ સોશિયલ મીડિયા માંથી બહાર આવી રોડ રસ્તા પર આવે તે પહેલાં તંત્રએ આ બાબતે તાકીદે નક્કર પગલાં લે તે અત્યંત જરૂરી છે. જોકે મોરબીમાં રોડ રસ્તાની ખરાબ હાલતની સાથે પ્રી-મોન્સૂન અને નાલા સફાઈની કામગીરી યોગ્ય રીતે ના થતા મોરબી શહેરના ઠેર-ઠેર પાણી ભરવાની અને ગારા કિચડની પણ સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત મોરબીમાં એક પણ એવી સમસ્યા નથી કે જે જોવા ના મળે. મોરબીનું નપાણિયું તંત્ર તમામ પ્રાથમિક સુવિધા કે જે પ્રજાનો કાયદાકીય હક્ક છે તે આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે. મોરબીમાં ભલે ગમે તે પક્ષની સરકાર હોય પણ વર્ષોથી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં તમામ પક્ષની સરકાર નિષ્ફળ ગઈ છે. મોરબીની આ હાલત માટે તમામ પક્ષ જવાબદાર છે. હાલની શહેરની સ્થિતિ જ પુરાવો છે કે નગર પાલિકામાં લોકોએ ચુંટીને મોકલેલા એક પણ કાઉન્સિલર કે નેતાએ પોતાની જવાબદારી નિભાવી નથી. મોરબીની હાલત માટે જવાબદાર અધિકારીઓ અને નેતા માટે જેટલી આલોચના કરી એટલી ઓછી પડે એમ છે. ત્યારે હવે મોરબીના લોકોની ધીરજ ખૂટી રહી છે. ત્યારે હવે તંત્ર મોરબીવાસીઓની વધુ પરીક્ષા લેવાનું બંધ કરી લોકોના પ્રાથમિક સુવિધા બાબતે તાકીદે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસામાં પણ મોરબીના મોટાભાગના માર્ગોની બદતર હાલત થઈ ગઈ હતી. આ વખતે ચોમાસુ શરૂ થઈ ગયું હોવા છતાં ગત વર્ષે ખરાબ થયેલા માર્ગોનું નવીનીકરણ હજુ સુધી થયું નથી. આથી, પહેલેથી જ ખરાબ રહેલા માર્ગોની પ્રથમ વરસાદથી અત્યંત ખરાબ હાલત થઈ ગઈ છે. માટે મોરબીના તંત્ર, અધિકારીઓ અને નેતાને બે હાથ જોડીને વિનંતી છે કે બાપલીયા હવે બસ કરો... અને આ શહેર તમારું પણ છે. હવે લોકો રસ્તા પર ઉતરે તે પહેલાં આપ રસ્તા પર ઉતરી પ્રજાની સમસ્યાનો અંત લાવો તેવું મોરબીવાસીઓ આક્રોશભેર જણાવી રહ્યા છે.