મોરબી : શહેરના ઉમા ટાઉનશિપની હાલત ઘણીધોરી વગરની થઈ ગઈ હોય એવી સ્થિતિની તસ્વીરો સામે આવી છે. સોસાયટીના રહીશોએ પાલિકા કચેરીમાં રૂબરૂ જઈને વારંવાર રજૂઆતો કરેલી હોવા છતાં આ વિસ્તાર જાણે પાલિકાની હદમાં આવતો જ ન હોય એવું ઓરમાયું વર્તન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઉમા ટાઉનશીપમાં મુખ્ય માર્ગો પર પારાવાર ગંદકી ફેલાતા અને વધુમાં ગટરના દુર્ગંધયુક્ત પાણી પણ રસ્તા પર ફેલાતા સ્થાનિકોનું ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. પાલિકામાં ફોન દ્વારા અને રૂબરૂ પણ અનેક્વારની રજૂઆતો બાદ પણ તંત્ર આ બાબતે ધ્યાન ન દેતું હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. હાલ વરસાદની ઋતુ શરૂ થઈ છે ત્યારે આમ પણ ઋતુજન્ય રોગચાળો પ્રસરતો હોય છે. આ સ્થિતિમાં ગટરના પાણી વરસાદના પાણી સાથે ભળતા મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ખતરો પણ વધવાની આશંકાને ધ્યાને લઈ તંત્ર સત્વરે ઉમા ટાઉનશીપમાં સફાઈ અભિયાન આદરે એવી માંગણી પ્રબળ બની છે.