ભંગારમાં ફેરવાયેલા રોડ રસ્તાથી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે સરકારને ઢંઢોળવા આહવાન કરાયું : પોતાના હક્ક માટે લડાઈ કરવા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ મોરબી : મોરબીના ખરાબ રોડ-રસ્તા મામલે સોશ્યલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં ખરાબ રોડ રસ્તા અંગે વિવિધ પોસ્ટ ફરતી થઈ છે. જેમાં મોરબીના રસ્તાની દુર્દશાના ફોટા-વીડિયો સહિતની હકીકત વડાપ્રધાન મોદી સુધી પહોંચાડવાનું આહવાન કરાયું છે. મોરબીમાં ગત ચોમાસામાં મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું હતું. ત્યારબાદ તંત્રને દિવાળી અને શિયાળો પૂરો થઈ જવા રોડ રસ્તા બનાવવાનું સૂઝ્યું ન હતું. જોકે ઉનાળાના પ્રારંભે અમુક રોડ રસ્તાના કામો શરૂ કર્યા હતા. ત્યાં લોકડાઉન આવી ગયું હતું. એટલે આ ચોમાસા પહેલા જ મોટાભાગના રસ્તાની ખરાબ દુર્દશા હતી. ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. છૂટો છવાયો વરસાદ પડતો હોવાથી અગાઉથી ખરાબ રહેલા મોટાભાગના રોડ રસ્તાની હાલત વધુ બદતર બની ગઈ છે. હાલ રોડની દશા એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે રોડ ઉપર વાહન ઝડપથી લઈને નીકળવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરાબર છે. રોડની આવી ખરાબ દશા હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલ્યું નથી. તેથી, સોશ્યલ મીડિયામાં ખરાબ રોડ રસ્તા અંગે ભારે આક્રોશ ઠલવાયો છે. સોશ્યલ મીડિયામાં સરકારને ઢંઢોળવાની અનેક પોસ્ટ ફરતી થઈ છે. આ વિવિધ પ્રકારની પોસ્ટમાં લખ્યું છે કે ભાઈ, હવે મોરબીના ખરાબ રોડ રસ્તાની હાલત સુધારવા સ્વંયભુ જનતાને રોડ ઉપર આવવું પડશે, રોડ રસ્તાના ફોટા વીડિયો ઉતારીને મોદી સરકાર સુધી પહોંચાડો, તમે લોકો ટેક્સ ભરો છો એ મુજબ મોરબીના રોડ રસ્તા છે? જે લોકો મોરબીના રોડ રસ્તાથી ખુશ ન હોય તેવા લોકોએ પોતાના વાહનોમાં બ્લેક કલરની રીબીન લગાવીને વિરોધ નોંધાવે, રોડ રસ્તાની દુર્દશાની વીડિયો કલીપ સોશ્યલ મીડિયાના માધ્યમથી શેર કરો, આપણા પરિવહન મંત્રી નીતિન ગડકરી આખા ભારતમાં મોરબીના ઉધોગોની આત્મ નિર્ભરતાની વાતો કરે છે. એમણે પણ મોરબીના રસ્તાની હાલત અંગે વાકેફ કરો, શુ તમે ક્યારેય વિચાર્યું છે કે ખરાબ રોડ રસ્તાથી તમારા વાહનનું મેઇન્ટસ આવે છે? શું નગરપાલિકાને તેની જવાબદારીનું ભાન નથી? તેવી પોસ્ટ કોઈ જાગૃત નાગરિકે સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને મોરબીની જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે અને રોડ રસ્તા મામલે સરકાર સુધી લડાઈ કરવાનું આહવાન કર્યું છે.