સમયસર પાણી નહીં છોડી કસમયે પાણી છોડવું ખેડૂતોની મુશ્કેલીનું કારણ (અંકિત પટેલ દ્વારા) મોરબી : મોરબી જિલ્લાની માળીયા-હળવદની નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી હાલ ખેડૂતોને સિંચાઈનો લાભ આપવામાં માટે પાણી છોડવામાં આવ્યું છે. જોકે કેનાલમાંથી પાણી છોડાઈ ત્યારે સ્થાનિક ખેડૂતો ખુશખુશાલ થઈ જતા હોય છે પણ એને બદલે અહીંના ખેડૂતોમાં પાણી છોડવાથી ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને કેનાલમાં છોડેલું પાણી કોઈ કામનું ન હોવાનું ખેડૂતો આક્રોશભેર જણાવી રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી છોડવાથી ખેડૂતો ભારે નારાજગી જોવા મળી છે. માળીયાના સુલતાનપુર ગામના ખેડૂત મહેશભાઈએ જણાવ્યું હતું કે કેનાલમાં અત્યારે છોડવામાં આવેલું પાણી ખેડૂતો માટે કોઈ કામનું નથી. જોકે ચોમાસામાં પહેલા આગોતરા વાવેતર માટે કેનાલમાંથી પાણી છોડવાની અગાઉ અનેક રજુઆતો કરી હતી. પણ આ રજુઆતો ધ્યાને લેવાઇ ન હતી. જો એક મહિના પહેલા કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હોત તો ખેડૂતો ચોમાસા પહેલા જ સારો પાક લઈ શક્યા હોત. પણ અત્યારે ખેડૂતોને પાણીની કોઈ જરૂરિયાત નથી. બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે એટલે ખેતરોમાં પાણી ભરાયેલા છે. તેથી, કેનાલમાં છોડેલું પાણી ખેડૂતો માટે વ્યર્થ છે. સુલતાનપુરના સરપંચ ભાવેશભાઈ વિડજાએ કહ્યું હતું કે માળીયા પંથકમાં બે દિવસ પહેલા 3 ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. એથી, પાણી ભરપૂર છે અને 20 દિવસ પહેલા પાણીની સખત જરૂરત હતી. જોકે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી હાલ કેનાલના પાણીની કોઈ જરૂર જ નથી. જો કેનાલમાંથી વહેલા પાણી છોડ્યું હોત તો ખેડૂતો કપાસ સહિતના પાકો વાવીને ફાયદો મેળવી શક્યા હોત. પણ કેનાલમાં અત્યારે છોડેલું પાણી ખેડૂતો માટે બિન ઉપયોગી છે. જોકે નર્મદામાં ભરપૂર પાણી હોવા છતાં સરકાર જરૂરતના સમયે જ પાણી આપતી નથી. હાલ મધ્યપ્રદેશથી નર્મદામાં પાણી આવ્યું છે એટલે વધારાનું પાણી કાઢ્યું છે. ખેડૂતો ઉપર સરકારે કોઈ ઉપકાર કર્યો નથી. ખેડૂતોએ એક માસ પહેલા કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. જેથી, ચોમાસા પહેલા સારો પાક લઈ શકાય. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. પણ પાણીની જ્યારે ખૂબ જરૂરત હતી ત્યારે સરકારે પાણી હોવા છતાં ખેડૂતો માટે પાણી ન છોડ્યું અને હવે ચોમાસુ બેસી ગયું હોય અને પાણીની જરૂર ન હોય ત્યારે પાણી છોડીને પાણીનો બગાડ કર્યો હોવાનું ખેડૂતો આક્રોશભેર જણાવી રહ્યા છે.