વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે વૃક્ષની ડાળખીઓને બદલે થડ સુધી કાપી નાખ્યા વીજ તારને નડતરરૂપ હોવાના બહાના હેઠળ 10 જેટલા વૃક્ષોને ઠુંઠા કરી નાખ્યા મોરબી : મોરબી વિજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને વિજપોલ પરના વીજ વાયરોમાં બાજુના વૃક્ષની ડાળખીઓ નડતી હોવાના કારણે ચોમાસામાં શોર્ટ સર્કિટ થવાનો ભય હોવાથી વીજ વાયરોને નડતરરૂપ માત્ર વૃક્ષની ડાળખીઓ કાપવાની હોય છે. પણ વૃક્ષની ડાળખીઓને બદલે તંત્ર દ્વારા અમુક વૃક્ષોને આડેધડ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબીમાં વીજ તંત્ર દ્વારા ઠેરઠેર વિજતારને નડતરરૂપ રહેલી વૃક્ષની ડાળખીઓ દૂર કરવાની છેલ્લા 12 દિવસથી કામગીરી ચાલી રહી છે. પણ અમુક જગ્યાએ વૃક્ષ થડ સુધી કાપી નાખવામાં આવ્યા છે. આવી રીતે ઘણી જગ્યાએ વૃક્ષને થડ સુધી કાપી નાખવામાં આવ્યા છે. જેમાં સામાકાંઠે આવેલ આર્યુવેદીક કચેરી, શિમડો, વાયોવરણો જેવા અલભ્ય વૃક્ષો વર્ષોની દેખભાળ બાદ ઘટાદાર બન્યા હતા. આ વૃક્ષો પર્યાવરણનું રક્ષણ અને અસાધ્ય રોગોના ઈલાજ માટે મહત્વના હતા. ત્યારે આ વૃક્ષોને થડ સુધી કાપી નાખવામાં આવી ગયા છે અને વૃક્ષના ઠુંઠા જ બચ્યા છે. જે હવે ઊગી શકે તેવી હાલતમાં નથી. સામાકાંઠે આવેલ હાઉસિંગ બોર્ડ, જીઆઇડીસી નાકા ઉપર વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. આ રીતે શહેરમાં 10 જેટલા વૃક્ષોને થડ સુધી કાપી નાખવામાં આવ્યા છે. વીજ તારને નડતરરૂપ માત્ર વૃક્ષની ડાળખીઓ કાપવાને બદલે વૃક્ષોને કાપીને માત્ર થડ જ બાકી રાખી દેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે મયુર નેચર કલબે જણાવ્યું હતું કે આ તંત્રની બેદરકારી છે.અધિકારીઓએ યોગ્ય કાળજી લઈને જે નડતરરૂપ છે. એ ડાળખીઓ જ કાપવી જોઈએ. એના બદલે વૃક્ષોનો સોથ વાળી દીધો છે. અમુક ઔષધિઓ બહુ ઓછી છે તેનું કાળજી પૂર્વક જતન થવાને બદલે તેનું છેદન યોગ્ય નથી એક તો વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે ત્યારે વધુ વૃક્ષો વાવવા જોઈએ એના બદલે તંત્રએ વૃક્ષ છેદન કરતા આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનું જણાવ્યું હતું.