રાજીનામાં પાછળના કારણો જનતા સમજે છે : પાર્ટી અને મતદાતાઓ સાથે મેરજાએ દગો કર્યો છે : મોરબી : કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અચાનક ધારાસભ્યપદેથી તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ આપતા કોંગ્રેસ પાર્ટીમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં તીખી પ્રતિક્રિયા આપીને રાજીનામાંને પીઠ પાછળ ભોંકેલા ખંજર સમાન ગણાવ્યું હતું. મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોઈ પૂર્વજાણકારી વિના આજે સવારે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ તથા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ ધરી દીધું હોવાની જાણ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ મોરબી અપડેટ સાથેની સીધી વાતમાં રાજીનામાને લઈને બ્રિજેશ મેરજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. કગથરાએ જણાવ્યું હતું કે એક સામાન્ય નોકરી કરતા કાર્યકરને કોંગ્રેસે ઘણું આપ્યું હતું. વલ્લભભાઈ પોપટભાઈ પટેલના પીએ હોવાના નાતે પાર્ટીએ 2007માં મેરજાને ટિકિટ આપી. તેઓ હાર્યા છતાં ફરી ટિકિટ આપી. ત્યાર બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહ્યા પણ ભરતસિંહ સોલંકીએ બાદમાં 2016માં તેઓનો પુનઃ પાર્ટી પ્રવેશ કરાવ્યો. હાલ જ્યારે રાજયસભાની ચૂંટણીમાં એક એક મત કિંમતી હોય છે ત્યારે જ મેરજાએ પાર્ટીને છેહ દીધો છે. મોરબીની જનતાને-મતદાતાઓને દગો દીધો છે. રાજીનામુ આપીને તેઓએ એક પ્રકારે રાજકીય કારકિર્દીની આત્મહત્યાં વહોરી છે. વધુમાં લલિતભાઇએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, ટિકિટ મેળવવા માટે રાજીવ ભવનના પગથિયાં પર જઈ જઈને ચપ્પલ ઘસી નાંખ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીના દરેક નેતા તેઓને સક્ષમ દેખાતા હતા. હાલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી નક્કી થઈ ચૂકી છે ત્યારે હવે તેઓને પાર્ટીની નેતાગીરી નબળી દેખાઈ રહી છે. 'યે પબ્લિક હે, યે સબ જાનતી હે' એવું કહીને લલિતભાઈ કગથરાએ આક્ષેપ કર્યો હતો કે મેરજા વેંચાઈ ગયા છે. કદાચ એમના શરીરના વજન કરતા પણ વધુ વજનના રૂપિયામાં તેઓ વેંચાઈ ગયા છે. મેરજાનો આ દ્રોહ પાર્ટી અને જનતા ક્યારેય નહીં ભૂલે એમ અંતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવી મેરજાના રાજીનામાંને વખોડયું હતું. https://www.youtube.com/watch?v=cEllVXszNow