રવાપર રોડની પંચવટી અને જલારામ સોસાયટીના રહીશોની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : મોરબીના રવાપર કેનાલ ચોકડીથી શાંતિભુવન એપાર્ટમેન્ટ સુધીનો ખુલ્લા વોકળાની યોગ્ય સફાઈ કરવું તથા પાકું બાંધકામ કરવાની માંગ સાથે રવાપર રોડ ઉપર આવેલ પંચવટી અને જલારામ સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. આ વોકળા ગંદકીથી ખદબદતો હોય ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને સ્થાનિકોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે વહેલાસર આ વોકળાની યોગ્ય સફાઈ કરવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના રવાપર ગામથી જે વોકળો નીકળે છે, તે રવાપર રોડની સમાંતરે આવેલો છે. આ વોકળો વર્ષોથી કુદરતી પાણીના નિકાલ માટેનો છે. પરંતુ વર્ષોથી આજુબાજુમાં થયેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો દ્વારા આ વોકળામાં ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. એટલે આ વોકળો માત્ર વરસાદી પાણીના નિકાલ.માટે ન રહેતા હવે ગટરના પાણીના નિકાલનો પણ સ્ત્રોત બની ગયો છે. આ વોકળો ખુલ્લો હોવાથી અને ગટરના પાણીના નિકાલ થતો હોય અને ઉપરથી સફાઈ થતી ન હોવાથી ભારે ગંદકીથી ખદબદી રહ્યો છે. હાલ કોરોનાની મહામારી ફેલાય રહી છે. ઉપરથી માથે ચોમાસુ તોળાઈ રહ્યું છે. તેથી આ વોકળામાં ખદબદતી ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉદભવે તેમ છે. જોકે આ વોકળાની સફાઈ જ થતી ન હોવાથી ગત વર્ષે ભારે વરસાદમાં સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ત્યારે આ વખતે પણ વરસાદ પહેલા વોકળાની સફાઈ ન થાય તો ગતવર્ષ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ તેની ભીતિ છે. જોકે આ બાબતે પાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રીને રજુઆત કરી વોકળા પર પાકું બાંધકામ કરીને યોગ્ય સફાઈ કરાવવાની માંગ કરી છે.