જાગૃત નાગરિકની ટ્વીટર મારફત કલેકટરને રજુઆત મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન તંત્રએ શહેરમાં ઠેકઠેકાણે રહેલા લારી, ગલ્લા કેબીનોના દબાણ હટાવી દીધા છે. તેથી, સામાન્ય ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આથી, જાગૃત નાગરિકે કલેકટરને ટ્વીટર મારફત। રજુઆત કરીને આવા સામાન્ય ધંધાર્થીઓની રોજીરોટી માટે તેમના ધંધા ચાલુ રહે તે માટે અન્ય જગ્યાએ એક સ્થળ નક્કી કરવાની માંગ કરી છે. મોરબીના જાગૃત નાગરિક કેયુર પંડ્યાએ ટ્વીટર મારફત કલેકટરને રજુઆત કરી હતી કે લોકડાઉન દરમિયાન તંત્ર દ્વારા ખાસ રાત્રીના સમયે છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને નડતરરૂપ લારી ગલ્લા કેબીનોના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા મુખ્ય માર્ગો ઉપર રહેલા આવા લારી ગલ્લાઓને હટાવીને જપ્ત કરી લેવામાં આવે છે. જોકે શહેરમાં ઠેકઠેકાણે લારી-ગલ્લા, કેબીનો રાખીને સામાન્ય વર્ગના લોકો જુદુજુદી ચીજવસ્તુઓનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે લોકડાઉનના કારણે આવા ધંધા બંધ હોવાથી બે માસથી સામાન્ય ધંધાર્થીઓ આર્થિક રીતે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હવે લારી-કેબીનો હટાવી લેતા સામાન્ય ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિમાં મુકાય ગયા છે. જોકે દબાણ હટાવ ઝુંબેશ સરાહનીય છે. પણ આવા નાના અને સામાન્ય વર્ગના ધંધાર્થીઓની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે. તેનો પણ તંત્રએ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આ લોકોને રોજીરોટી મળી રહે તે માટે તેમના ધંધા ચાલુ રાખવા મોરબીના સામાકાંઠાની જેમ વૈકલ્પિક સ્થળની વ્યવસ્થા કરવાની તેમણે માંગ કરી છે.