જૂની અદાવતમાં બન્ને પક્ષે એકબીજા ઉપર હથિયારોથી હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી મોરબી: મોરબીના કાલિકા પ્લોટમાં શનિવારે બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં સશસ્ત્ર બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને પક્ષના ચારથી વધુને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં આ બનાવ અંગે બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના રબારીવાસમાં રહેતા એજાજભાઈ ઇકબાલભાઈ જાદાણી (ઉ.વ.24) નામના યુવાને કાલિકા પ્લોટમાં રહેતા શકીલભાઈ મહેબૂબ સંધી, મકબુલભાઈ મહેબૂબભાઈ સંધી, મહેબૂબભાઈ સંધી, મહેરુબેન મકબુલભાઈ સંધી સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે શનિવારે કાલિકા પ્લોટમાં બનેલા આ બનાવમાં ફરિયાદીને એક વર્ષ પહેલા આરોપીની બહેન સાથે સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ છરી, ધોકા અને પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો તેમજ સાહેદ શબ્બીરભાઈ અને એક મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો. બાદમાં ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. સામાપક્ષે મહેબૂબભાઈ અબ્દુલભાઈ સંધીએ આરોપીઓ એજાજભાઈ ઈકબાલભાઈ જાદાણી, શબ્બીરભાઈ ઇકબાલભાઈ જાદાણી, મંજુરભાઈ હુશૈનભાઈ જાદાણી, શબનમબેન ઈકબાલભાઈ જાદાણી અને એજાજભાઈના માતા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે એક આરોપી ફરિયાદીની દીકરીને હેરાન કરતો હોય આ બાબતે સમજાવવા જતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી અને સાહેદો ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.