મોરબી : જિલ્લાના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગણીને ધ્યાને લઈ સ્થાનિક આગેવાનો તેમજ નેતાઓની માંગણીને સકારાત્મક રીતે ધ્યાને લઈ ગુજરાત સરકારે સૌરાષ્ટની નર્મદા કેનાલમાં 22 મેની આસપાસ પાણી છોડવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા સૌરાષ્ટ્ર બ્રાન્ચમાં સૌની યોજનાના માધ્યમથી નર્મદાનું પાણી છોડવા સરકારમા કરેલ રજુઆત આખરે ફળી છે. સરકાર દ્વારા સૌરાષ્ટ્ર બ્રાન્ચની તમામ કેનાલોમાં ૨૨ મે આસપાસ પાણી છોડવાનો નિર્ણય કરેલ છે. આ નિર્ણય બદલ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નર્મદા કેનાલના રીપેરીંગને લઈને પાણી બંધ કરવામાં આવ્યું હતું, જો કે લોકડાઉનની અમલવારીના કારણે રીપેરીંગ કામ પણ થઈ શક્યું ન હતું ત્યારે પણ ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગણી કરી હતી. જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે ત્યારે સ્થાનિક નેતાઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.