મોરબી : મોરબીના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ગ્રુપ દ્વારા અમદાવાદનાં ન્યુઝ પોર્ટલનાં પત્રકારની સામે રાજદ્રોહનો ગુનો નોંધવાનાં વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં અમદાવાદના એક ન્યુઝ પોર્ટલનાં પત્રકાર ધવલ પટેલને કોઇપણ જાતના વાંક-ગુના વિના રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ પત્રકારનો વાંક માત્ર એટલો જ હતો કે તેમને તેમના સમાચાર માધ્યમમાં વિજયભાઇ રૂપાણીના સત્તા પરિવર્તન બાબતે કેટલાક સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા. સરકારનું આવું કૃત્ય મીડીયાકર્મીઓને ડરાવવા અને ધમકાવવા અને સરકારની વિરૂધ્ધમાં કાંઇ ભવિષ્યમાં પણ ન લખે તેવા બદઇરાદાથી સરકારશ્રી દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ છે. આ ઉપરાંત, આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજદ્રોહનો ગુનો ખૂબ જ ગંભીર છે અને મીડીયા કર્મીઓની વિરૂધ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરી અને તેમના વાણી સ્વતંત્રતાના બંધારણીય અધિકારો ઉપર તરાપ મારે છે. તેવાં સંજોગોમાં તાત્કાલીક સરકાર દ્વારા આ ફરિયાદમાં સમરી ફાઇલ કરી અને ફરિયાદ દાખલ કરનાર સામે ખોટી ફરિયાદ દાખલ કરવાનો ગુનો દાખલ કરવા સરકાર આદેશ કરે તેવી તમામ પત્રકારો દ્વારા માંગણી કરવામાં આવી છે.