મોરબી : મોરબી જીલ્લાના ખેડુતોની માઠી દશા બેઠી હોય તેમ ઉત્પાદન કરેલ કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળતા જગતના તાતને લમણે હાથ દઈ નિસાસા નાંખવના દિવસો આવ્યા છે. CCI માં ગોકળગાય ગતિએ ખરીદી ચાલી રહી હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. ગામડાઅોમા વેપારીઅો કપાસમા ગુણવતા ન હોવાનું ગાણું ગાઇ ખેડૂતો પાસેથી મામુલી ભાવે કપાસ માંગી રહ્યા છે. ત્યારે સરકાર A, B, C ગ્રેડની ખરીદી કરે તેવી ખેડુતોમાં માંગ ઉઠી છે. મોરબી જીલ્લામા સરકાર દ્વારા સી.સી.આઈ. મારફતે થતી કપાસની ટેકાના ભાવે ખરીદીમાં મોટા ભાગના ખેડૂતોનો કપાસ ગુણવત્તા માપદંડોમાં ફેલ થતા રીજેક્ટ કરવામાં આવે છે. જેથી મોટાભાગના ખેડૂતો પોતાનો માલ ન વેચાતાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેથી સી.સી.આઈ. દ્વારા ટેકાના ભાવે થતી કપાસની ખરીદીમાં નક્કી કરાયેલ ગુણવત્તા માપદંડોમાં જરૂરી સુધારા કરી ઓછી ગુણવત્તા વાળા કપાસની પણ એમ.એસ.પી. નક્કી કરી ખેડૂતોના કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ ખેડૂતોમા ઉઠી છે. આ વર્ષે કપાસમાં ખેડૂતોની દશા 'સાપે છછુંદર ગળ્યા' જેવી થઇ છે. એક તરફ સરકારી ખરીદી ગોકળગાય ગતિએ ચાલી રહી છે તો બીજી તરફ સીસીઆઈમા પણ ગેરરીતીના આક્ષેપો જગતનો તાત કરી રહ્યો છે. જ્યાં ખરીદી થાય છે ત્યાં સેટીંગવાળાનો જ વારો આવે છે. બીજી તરફ કોરોનાના ભય હેઠળ જીન મીલો ચાલુ થતા નથી અને કપાસ ખરીદાતો નથી એટલે ભાવ પણ વધતાં નથી. આજે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કપાસની આવક લગભગ ૩૦થી ૩૨ હજાર ગાંસડીના જેટલી રહી હતી. દેશમાં કપાસના ભાવ નીચામાં રૂા.૬૦૦ અને ઊંચામાં રૂા.૯૪૦ રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં જીન પર પહોંચ કરવાનના સોદા સારા કપાસના રૂા. ૯૩૫થી ૯૪૦ (ટકેલા) તેમજ ગામડે બેઠા કપાસના રૂા. ૬૦૦થી ૮૦૦ના વેપાર થાય છે જે ખેડુતોને પરવડે તેમ નથી. મોંઘા ભાવના ખાતર-બિયારણ તેમજ મજુરોનો ખર્ચ પણ માથે પડે તેમ છે. આ બાબતે મોરબી કિશાન સંધ પણ ચુપ કેમ છે તેમજ શાસકપક્ષ કે વિપક્ષના ધારાસભ્યો, સંસદસભ્યો પણ મૌન કેમ સેવી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો છે. સી.સી.આઈ. કેન્દ્ર ખાતે મોટાભાગના ખેડૂતોનો કપાસ નક્કી કરેલ ગુણવત્તા-માપદંડ પર ખરો ન ઉતરતા રીજેક્ટ થઇ રહ્યો છે. હાલ કપાસનો બજાર ભાવ પણ ટેકાના ભાવથી ખૂબ નીચો હોય મોટા ભાગના ખેડૂતો પોતાનો કપાસ બજારોમાં વેચી શકતા નથી અને સરકાર પણ સી.સી.આઈ. મારફતે તેમનો કપાસ ખરીદતી નથી. જેના કારણે હાલ લોકડાઉનના કપરા સમયમાં મોરબીના વિસ્તારના ખેડૂતો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. આ બાબતે ખેડૂત આગેવાન લક્ષ્મણભાઈ આહીર દ્વારા CCI કેન્દ્રની મુલાકત લીધેલ ત્યારે તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે 'સીસીઆઈ કેન્દ્રમાં ખેડુતોની સુવિધાના નામે મીંડું છે. માલ ભરીને આવનાર ખેડૂતોને આવા ધોમધખતા ૪૨ ડિગ્રી તાપમાનમાં બહાર બેસી રહેવું પડે છે. કોઈ કેન્દ્રો પર છાંયાની સુવિધા નથી જયારે સ્થળ પરના અધિકારીને પૂછતાં તેઓએ તો જણાવ્યું હતું કે આ વ્યવસ્થા અમારી ફરજમાં નથી આવતી. વળી નોંધણી કરવાના નંબર ઉપર ખેડૂતોના ફોન જ લાગતા નથી. આખા મોરબી જીલ્લા માટે નોંધણી માટે એકજ નંબર રાખેલ છે અને સમય પણ 9થી 1નો જ રાખેલ છે. એમાં એવી પણ શંકા જાય છે કે આ નંબરમાં મળતીયાઓની જ નોંધણી થતી હશે'. એવો સણસણતો આક્ષેપ કરી લક્ષ્મણભાઈએ આ અંગે ઘટતું કરવાની માંગણી પણ કરી હતી.