- text
બહારના જિલ્લામાંથી ગેરકાયદેસર હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકોની માહિતી આપવા પીઆઇ ખાંભલાની લોકોને અપીલ
હળવદ : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લાફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર હળવદમા પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- text
બનાવની જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદથી ગેરકાયદેસર રીતે હળવદમાં પ્રવેશ કરનાર કિરીટભાઈ વીરજીભાઈ કણજરીયા અને તેમના પત્ની નીલમબેન કિરીટભાઈ કણજારીયા તેમજ હળવદ તાલુકાના પાંડાતીરથ ગામએ પણ અમદાવાદથી ભરતભાઈ કાળુભાઈ ગઢવી તેમના પત્ની ભારતીબેન કાળુભાઈ ગઢવી અને તેમના દીકરી હેતલબેન ભરતભાઈ ગઢવી સહિત પાંચેય ગેરકાયદેસર રીતે હળવદમાં પહોંચી જતા તેઓના વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલા છે.
હળવદ પી.આઈ સંદિપ ખાંભલા એ જણાવ્યું હતું કે ખાસ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અપીલ છે કે કોઈપણ બહારના જિલ્લામાંથી હળવદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા લોકોની માહિતી પોલીસ સુધી પહોંચાડો. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી અને નોંધાય પણ નહીં તે માટે તંત્રની સાથેસાથે લોકો પણ જાગૃત બને તે જરૂરી છે.
- text