કારમાં ચાર શખ્સો અપહરણ કરીને માર માર્યા બાદ છોડી મુકતા યુવાને ફરિયાદ નોંધાવી ટંકારા : ટંકારામાં જમીનના પૈસાના ડખ્ખામાં યુવાનનું ચાર શખ્સો કારમાં અપહરણ કરી જઈને માર માર્યો હતો. અને ચારેય શખ્સોએ યુવાનને માર મારીને છોડી મુક્યા બાદ યુવાન ટંકારા પોલીસ મથકે પહોંચીને ચારેય સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ ટંકારાના હડમતીયા ગામના વતની અને હાલ રાજકોટના તિરુપતિ બાલાજી પાર્ક, શેરી નંબર 4, સત્યપ્રકાશ સ્કૂલની બાજુમાં, 200 ફૂટ કોઠારીયા રિંગ રોડ ઉપર રહેતા શૈલેષભાઈ ગંગારામભાઈ મેરજા (ઉ.વ.40) નામના યુવાને ટંકારાના હડમતીયા ગામના અશોકભાઈ ઠાકરશીભાઈ મેરજા, શૈલેષભાઇ મનજીભાઈ મેરજા, હિતેશભાઈ કાનજીભાઈ મેરજા અને દિલીપભાઈ ઉર્ફે દેવેન્દ્ર મનજીભાઈ મેરજા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.11 ના રોજ બપોરના સમયે હડમતીયા અને લજાઈ ગામ વચ્ચે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જમીનના રૂપિયા વિવાદ હોય જેનો ખાર રાખી આરોપીઓએ કેટા ગાડી તથા હોન્ડા સીટી ગાડીઓમાં આવીને ફરિયાદી પાસે પૈસાની માંગણી કરી હતી અને ઝપાઝપી કરીને ઝાપટ મારીને આરોપીઓ ફરિયાદીને કારમાં બળજબરીથી બેસાડીને અપહરણ કરી ગયા હતા. બાદમાં પીઠડ ગામની સીમમાં લઈ જઈ ફરિયાદીને આરોપીઓ પ્લાસ્ટિકના ધોકા અને ઉઘા ધારીયાથી બેફામ માર મારીને છોડી મુક્યા બાદ યુવાને ટંકારા પોલીસ મથકે પહોંચીને આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદી અને આરોપીઓ મિત્રો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બન્ને વચ્ચે જમીનના પૈસાની લેતી દેતીમાં વાંધો પડતા આ બનાવ બન્યો છે. ફરિયાદ પહેલા સમાધાન કરવા ભારે ધમપછાડા થયાનુ પણ જાણવા મળ્યું છે. જોકે ફરીયાદી કોઈ રીતે ન માનતા વિધીવત ગુનો દાખલ થતા હાલ ટંકારા પોલીસે આરોપીઓ અને કારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.