હળવદ તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનના વરદ હસ્તે પ્રજાની સેવા માટે સતત કાર્યરત એવા કોરોના વોરિયર્સ પોલીસ-હોમગાર્ડ-જી.આર.ડી-ટી.આર.બીના જવાનોને સન્માનીત કરાયા હળવદ : એ.ડી.ઓઝા, અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી તથા આર.કે પંડ્યા, સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના માર્ગદર્શન હેઠળ પી.ડી.જેઠવા સાહેબ, અધ્યક્ષ, તાલુકા કાનૂની સેવા સમિતિ, હળવદ દ્વારા કોરોના વોરિયર એવા પોલીસ, હોમગાર્ડ જવાન, ટી.આર.બી.ને સન્માનપત્ર આપી, તેઓની કામગીરીની સરાહના કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમા હળવદ કોર્ટના કર્મચારી નિલેશભાઇ રાઠોડ સિનિયર કલાર્ક, અમીતભાઇ મકવાણા આસીસ્ટન્ટ, કીરણભાઇ સોલંકી આસીસ્ટન્ટ, સંજય તાવીયા પટાવાળાનાઓએ હાજરી આપેલ અને કાર્યક્રમમાં સહભાગી થયેલ હતા. હળવદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોરોના વોરિયર્સ એવા સુરક્ષાકર્મીઓનું સન્માનપત્ર અર્પણ કરી અને અનેરું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ આખું કોરોના સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે ગુજરાત અને હળવદના સુરક્ષા જવાનો ખડેપગે રહી પરિવારની ચિંતા કર્યા વિના પ્રજાની રક્ષા કાજે નિરંતર કાયદાની અમલવારી કરાવી અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકામાં લોકોની સેવામાં રાત-દિવસ જોયા વગર અવિરત કાર્યશીલ છે અને લોકોને કાયદાનું પાલન કરાવી રહ્યા છે અને કોરોનાને માત આપવા સતત પ્રયત્નશીલ છે. તેવા પોલીસ - હોમગાર્ડ - ટી.આર.બી - જી.આર.ડીના જવાનોના ઉત્સાહમાં વધારો થાય તેવા આશયથી તાલુકા કાનૂની સેવા સમિતિના હળવદના ચેરમેન પી.ડી.જેઠવાના વરદ હસ્તે સુરક્ષાકર્મીઓને સન્માનપત્ર અર્પણ કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંદર્ભે પી.આઈ સંદીપ ખાંભલા, પી.એસ.આઈ પી.જી.પનારા તથા સુરક્ષા કર્મીઓ હાજર રહ્યા હતા. ચેરમેન પી.ડી.જેઠવા સાહેબ તથા પી.આઈ શ્રી સંદીપ ખાંભલા દ્વારા લોકો સુધી અવિરત કોરોના અંગે લોક જાગૃતિ લાવનાર સર્વે પત્રકારોનો પણ આભાર માન્યો હતો અને તેમની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી.