મોરબી જિલ્લામાં દરરોજ બહારથી આવતા સેંકડો લોકો આપની અને મોરબીવાસીઓની મહેનત પર પાણી ફેરવી દેશે : આગ લાગે ત્યારે કૂવો ખોદવાની બદલે અત્યારથી યોગ્ય પગલાં જરૂરી મોરબી : મોરબીમાં 5 એપ્રિલ બાદ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જે એક કેસ હતો તે પણ સ્વસ્થ થઈ જતા મોરબી જિલ્લો કોરોના મુક્ત થયો છે. પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે મોરબી જિલ્લામાં ગમે ત્યારે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય તો નવાઈ નહીં. કારણ કે હાલમાં જે રીતે પરમિશન વગર અને પરમિશન સાથે અન્ય જિલ્લા અને રાજ્યો માંથી લોકો મોરબી જિલ્લામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના માનનીય કલેકટર સાહેબ આપને મોરબીવાસીઓ અપીલ કરી રહ્યા છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિના બદલે આગ લાગવાની રાહ જોયા વગર મોરબી કોરોના મુક્ત જ રહે તે માટે બહારથી આવતા લોકો માટે યોગ્ય આયોજન અને કડક કાર્યવાહી કરવાની અત્યંત જરૂર છે. મોરબી જિલ્લો ગ્રીન ઝોનમાં જ રહે અને કોઈ કોરોના પોઝિટિવ કેસના આવે તેમજ અત્યાર સુધીની છેલ્લા 50 દિવસની તંત્રના તમામ વિભાગોની કઠોર મહેનત અને લોકોની લોકડાઉનમાં રહીને કરેલી કઠોર તપસ્યા પર પાણી ફરે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લામાં હાલ દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો બહારથી બેરોકટોક આવી રહ્યા છે. જે માંથી મોટાભાગના લોકો સુધી તંત્ર તેમને કવરોન્ટાઇન કરવા માટે પણ સમયસર પોહચી શકતું નથી. અન્ય જિલ્લામાંથી રાજ્યોમાંથી લોકો મોરબી આરામથી આવી બે રોકટોક બજારોમાં ફરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાને કોરોના મુક્ત રાખવાની જેના પર જવાબદારી છે તેવા માનનીય કલેકટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા સહિતના જવાબદાર દરેક અધિકારીઓ અને પદાધિકારીઓને મોરબી જિલ્લાના લોકો દ્વારા વેદનાભરી અપીલ કરી રહ્યા છે કે સાહેબો આગ લાગવાની રાહ ના જુઓ આગ લાગ્યા પહેલા જ કૂવો ખોદી લો કારણ કે આ આપ જ કરી શકો આપની પાસે જ આ અંગેના પાવર છે. જરૂર પડે તો તાકીદે જામનગરની જેમ મોરબી જિલ્લાની બોર્ડરો સિલ કરી દિયો. શુ આ માટે ચાર - પાંચ પોઝિટિવ કેસની રાહ જોવી ઉચિત છે ? 50-50 દિવસથી લોકડાઉનમાં ઘરમાં પુરાઈને તમામ નિયમોનું પાલન કરતા મોરબી જિલ્લાના લોકોએ આપ સૌ જવાબદાર સાહેબોની અત્યાર સુધીની કામગીરીને બિરદાવી છે. ત્યારે હવે મોરબીવાસીઓ આપને અપીલ કરી રહ્યા છે કે તાકીદે બહારથી આવતા લોકો માટે કોઈ નક્કર આયોજન જરૂરી છે. પ્રથમ તો પોલીસ તંત્ર શહેરમાં દુકાનો અને વેપારીઓ, લોકોને નિયમોનું પાલન જે કડકાઈથી કરાવી રહી છે તેની 10 ગણી કડકાઇથી જિલ્લાની તમામ બોર્ડરો પર સતત 24 કલાક ચેકીંગ થવું જોઈએ. શક્ય હોય તો કલેકટર સાહેબ તાકીદે મોરબી જિલ્લાની તમામ બોર્ડરો સિલ કરી બહારના લોકોના પ્રેવશ પર પ્રતિબંધ મૂકી દો. અને જો એ રાજ્ય સરકારના નિયમ મુજબ એ શક્યના હોય તો બહારથી મંજૂરી સાથે આવતા તમામ લોકો માટે ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ ના થાય ત્યાં સુધી અલગ જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ કામ થોડું અઘરું છે. પરંતુ અત્યાર સુધી સરકારી તંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ અને લોકોની મહેનત પર પાણી ન ફરી જાય તે માટે અત્યંત જરૂરી પણ છે. ત્યારે મોરબી અપડેટના માધ્યમથી લાખો મોરબીવાસીઓની વેદના અને આ રજૂઆતને મોરબીનું જવાબદાર તંત્ર ધ્યાને લઇ આ ગંભીર બાબતે નક્કર આયોજન કરી મોરબી જીલ્લાને કોરોના મુક્ત જ રાખે તેવી આશા સાથે મોરબી જિલ્લો કોરોના મુક્ત જ રહે તેવી પ્રાર્થના..