મોરબી ટી-સ્ટોલ એસોસીએશને જિલ્લા કલેકટરને રજુઆત કરી મોરબી : ગ્રીન ઝોન જાહેર થયેલા મોરબી જિલ્લામાં લોકડાઉન-3 માં કેટલીક આંશિક છૂટછાટ આપવામાં આવી છે. પણ ટી-સ્ટોલ ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો છે. ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના ટી-સ્ટોલ ધારકોને આર્થિક રીતે મુશ્કેલી પડતી હોવાથી આજે મોરબી ટી-સ્ટોલ એસોસીએશને જિલ્લા કલેકટરને રજુઆત કરી શરતોને આધીન ટી-સ્ટોલ ધારકોને ચાના પાર્સલની મંજૂરી આપવાની માંગ કરી છે. મોરબી ટી-સ્ટોલ એસોસીએશને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી શહેરમાં આવેલ તમામ નાના-મોટા ટી સ્ટોલ ઉપર લોકડાઉનને કારણે પ્રતિબંધ હોય લાંબા સમયથી ટી સ્ટોલ ધારકોના ધંધા રોજગાર બંધ હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના ટી સ્ટોલ ધારકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેથી, આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે સામાન્ય અને મધ્યમ વર્ગના ટી સ્ટોલ ધારકોને લોકડાઉનની તમામ શરતોને આધીન ચા બનાવી પાર્સલ સર્વિસ થકી ધંધો શરૂ કરવાની પરવાનગી આપવાની માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મોરબી શહરરમાં ટી સ્ટોલની જેમ અન્ય નાના વેપારીઓ જેવા કે મસાલા સોડા, લેમન જ્યુસ સહિતના ઠંડા પીણાની દુકાનો ખોલી પાર્સલનો ધંધો કરીને રોજીરોટી મેળવી રહ્યા છે. તેવી જ રીતે ચાના નાના મોટા વેપારીઓને પાર્સલ બનાવીને વેપાર કરવાની છૂટ આપવા જણાવ્યું છે અને ટી સ્ટોલ ધારકોએ શરતોને આધીન આ પરવાનગી આપવા તેમજ લોકડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સરકારની તમામ ગાઈડ લાઈન અને શરતોનું પાલન કરવાની બાંહેધરી આપી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.