મોરબી : કોરોનાને લઈને બહારના જિલ્લાઓમાંથી મંજૂરી વગર મોરબી જિલ્લામાં પ્રવેશવાની મનાઈ હોવા છતાં કેટલાક લોકો મંજૂરી વગર મોરબી જિલ્લા આવતા હોવાનો વણથભ્યો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી દંપતી મંજૂરી વગર મોરબીના ઉમા ટાઉનશીપમાં આવી ગયું હતું. આથી આ મામલે બી ડિવિઝન પોલીસે દંપતી સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વડલા ગામે રહેતા અક્ષયભાઈ કમલેશભાઈ જસાણી ઉ.વ.25 અને સોનલબેન અક્ષયભાઈ જસાણી ઉ.વ.23 નામના દંપતી હાલ કોરોનાના સંક્રમણનો ભય હોવાનું જાણવા છતાં પણ જૂનાગઢ જિલ્લામાંથી મોરબી આવવા માટે મંજૂરી લીધા વગર મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના રોયલ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા છે. આ બાબત ધ્યાને આવતા કોરોના વાયરસ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર અને મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી કોરોનાનું સંક્રમણ ફેલાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાનો આ દંપતી સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.