મોરબી : મોરબીના લોકસેવક પરેશ પારિયા દ્વારા સોસીયલ મીડિયાના માધ્યમથી ગ્રીન ઝોન વિસ્તારમાં રાત્રિ દરમિયાન નાના બાળકોને સોસાયટીમાં રમવા માટે છૂટ આપવા રાજયના ડી.જી.પી. શિવાનંદ ઝાને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. તેઓએ આ આવેદનપત્રમાં જણાવેલ છે કે આજે તા. 6 મેના રોજ લોકડાઉનના ૪૩ દિવસ થયા છે ત્યારે ગુજરાતનાં અમુક વિસ્તાર હાલ ગ્રીન ઝોન થઈ ગયા છે. જેના કારણે અમુક વિસ્તારો દિવસમાં ૧૨ ક્લાક માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા ૪૨ દિવસથી ઘરમાં જ રમતા ૧૨ વર્ષ સુધીના બાળકોની પરિસ્થિતી પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. અત્યાર સુધી બાળકો વધુ પડતાં મોબાઇલ અને રમકડાંઑને આધારે રમી રહ્યા હતા. તેમની આઉટડોર રમતો સાવ બંધ થઈ જવાના કારણે બાળકોના સ્વભાવમાં ચીડચિડિયાપણું વધી રહ્યું છે અને નાના બાળકો દ્વારા બહાર જવાની બાળહઠના કારણે તેમના માતા પિતા પણ મુશ્કેલીમાં મુકાય ગયા છે. ઘણા માતા-પિતા પોતાના બાળકોની હઠને વશ થઈ રાત્રિ દરમિયાન ઘરના દરવાજે પણ લઈને નીકળે છે તો ત્યાથી પસાર થતાં પૉલિશ સ્ટાફ દ્વારા ધમકાવવામાં આવે છે. જેના કારણે બાળકોના માનસ પર પણ પોલિસની ખરાબ છાપ ઊભી થાય છે. જેથી, ૧૨ વર્ષ સુધીના બાળકોને આઉટડોર ગેમ રમવા માટે રાત્રિના ૯.૩૦ થી ૧૧ વાગ્યા સુધી ઘરની પાસે ૨૦૦ મીટરના અંતરમાં રમવાની છૂટ આપવા અપીલ કરાઈ છે. જેથી, તે તેના બાળપણનો પણ આનંદ માણી શકે અને આ સમયે વાહનો અને અન્ય લોકોની અવારજવર ના હોવાથી અને ગ્રીન ઝોન હોવાથી કોરોનાનો ચેપ લાગવાના ચાન્સ નહિવત છે. ઇટાલી દેશ દ્વારા તાજેતરમાં બાળકોને રમવા માટે એક કલાકની છૂટ આપી છે. ત્યારે ભારત દેશનું ભવિષ્ય બનાવનાર બાળકોને તણાવભર્યા વાતાવરણમાથી થોડી મુક્તિ આપવા અનુરોધ કરાયો છે.