જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ હોય પણ સીસીઆઈના અણઘડ નિયમોને કારણે તેમજ એક જ સેન્ટર હોવાથી અન્ય તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા જવા માટે ભારે હાલાકી પડતી હોવાથી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રીને રજુઆત કરી આ બાબતે ખેડૂતોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખે રજુઆતમાં જણાવ્યું હતું કે હાલમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી ચાલુ છે. પરંતુ સીસીઆઈના નિયમો જેવા કે 34.20 નો ઉતારો અને 4 માઇક આવતા હોવા જોઈએ. જેમાં 100 ખેડૂતોએ માત્ર 5-10 ખેડૂતોનો જ કપાસ મંજુર થાય છે. તેથી, જો સીસીઆઈ દ્વારા 33 નો ઉતારો કરવામાં આવે અને તે નિયમ મુજબ કપાસની ખરીદી કરવામાં આવે તો મોટાભાગના ખેડૂતો ફાયદો થાય તેમ છે. અને આ પ્રમાણે સીસીઆઈના નિયમોમાં ફેરફાર કરવો જરૂરી છે.તેમજ મોરબી જિલ્લામાં મોડે-મોડે વરસાદ થતાં કપાસનું ઉત્પાદન મોડું થયું છે. મોરબી જિલ્લાના ખેડૂતો પાસે કુલ ઉત્પાદનના 50 કે 60 ટકા જેવો કપાસ ઘરે પડેલો છે. વળી મોરબી જિલ્લામાં સીસીઆઈની ખરીદીનું એક જ સેન્ટર છે. આ સેન્ટરમાં અન્ય તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા જવા માટે ઘણું લાંબુ અંતર કપાવું પડે છે. તેથી, માળીયા તાલુકામાં કપાસની ખરીદીનું એક સેન્ટર શરૂ કરવાની તેમણે માંગ કરી છે.