મોરબી : મોરબીની કલેકટર કચેરીએ ગઈકાલે સોમવારે વતન જવાની મંજૂરી આપોની માંગ સાથે પરપ્રાંતિયોની ભીડ ઉમટી પડ્યા બાદ પોલીસ તંત્ર વધુ એલર્ટ બન્યું હતું અને આજે સવારથી જ કલેકટર કચેરીની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે સોમવારે પરપ્રાંતિયોની ભીડ ઉમટી પડ્યા બાદ કલેકટરે સીરામીક એસો.ના હોદેદારોને બોલાવી જરૂરી સૂચના આપી હતી. મોરબી જિલ્લામાં વસતા બહાર રાજ્યોના શ્રમિકોને વતન જવાની મંજૂરી લેવા માટે ભારે હાલાકી પડે છે. ખાસ કરીને વતન જવા માટેના અગત્યના મેડિકલ સર્ટી. લેવા માટે શ્રમિકોની આરોગ્ય સેન્ટરોમાં લાંબી લાઈનો લાગતી હોવાથી ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. ગઈકાલે વતન જવાની મંજૂરી આપીની ઉગ્ર માંગ સાથે આ શ્રમિકોની ભીડ કલેકટર કચેરી ઉમટી પડી હતી. આથી, સુરક્ષાને ધ્યાને લઈને પોલીસે ત્વરિત પગલાં લીધા છે. જેમાં આજે કલેકટર કચેરીની સામે અને કલેક્ટર કચેરીના અંદરના ગેટ પાસે પણ પોલીસ બંદોબસ્ત મૂકી દીધો છે. ચારથી પાંચ જીઆરડી અને પોલીસ જવાનોને અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે. શ્રમિકો આવતા હોય તેને પોલીસ સમજાવીને પરત મોકલી રહી છે. તેમજ પોલીસની વાન દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.