મોરબી : ગત તા. ૨/૫/૨૦૨૦ ના રોજ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને જરૂરી માહિતી લોકડાઉન દરમ્યાન મળી રહે એ હેતુથી એક ઓડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લાના ૧૦૫ ખેડૂતોએ રસ પૂર્વક ભાગ લીધેલ હતો. આ કોન્ફરન્સમાં કેન્દ્રના વડા ડી. એ. સરડવા અને વિષય નિષ્ણાંત ડો. હેમાંગીબેન ડી. મહેતા તથા જામનગર કૃષિવિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. બારૈયા એ ખેડુતોને માર્ગદર્શન આપેલ હતું. જેમાં ખેડૂતોના પ્રશ્નો જેવા કે ઉનાળુ પાક મગફળી, તલ અને બાજરીના પાકોમા અત્યારે શું માવજત કરવી અને રોગ જીવાત નિયંત્રણ અંગે શું પગલાં લેવા તે જણાવવામાં આવેલ હતું. આ ઉપરાંત, ચોમાસુ પાકમાં આગોતરા આયોજન અંગે ખેડૂતોના પ્રશ્નો જેવા કે મગફળીની કઈ જાત પસંદ કરવી, ખાતર ક્યુ અને કેટલું વાપરવું, બીજનો દર શું રાખવો, બીજમાવજત વગેરે પ્રશ્નોના જવાબ ઓડિયો કોન્ફરન્સમાં આપેલ હતા. અને હાલના સંજોગોમાં સલામત અંતર રાખી ખેતી કાર્યો કરવા અને માસ્કનો ઉપયોગ જરૂર કરવા અંગે માહિતી આપેલ હતી.