મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ બી. રબારી દ્વારા છેલ્લા બે માસથી બંધ રહેલ લારી ગલ્લા તંત્ર દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર ઉપાડી જતા હોવાથી નાના ધંધાર્થીઓના લાભાર્થે યોગ્ય કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ તથા એસપી ડો. કરણરાજ વાઘેલાને સોશિયલ મીડિયા થકી રજુઆત કરવામાં આવેલ છે. તેઓએ આ રજુઆતમાં જણાવેલ છે કે લોકડાઉન દરમિયાન બંધ રહેલ લારી ગલ્લાવાળાઓને જે જગ્યા ઉપર બંધ લારી અને નાની કેબીનો રાખેલ છે. ત્યાંથી નગરપાલિકા તેમજ તંત્ર દ્વારા આ લારીગલ્લા-કેબીન વાળાને કોઈપણ જાતની જાણ કર્યા વગર ઉપાડી જવામાં આવે છે. હાલના કોરોના સંકટમાં ગરીબ અને મધ્યમ વર્ગના ધંધા છેલ્લા ઘણા દિવસોથી થયા બંધ છે ત્યારે આ લારી ગલ્લાવાળાઓને અને કેબીનવાળાઓને હાલના સમયમાં ખાવાના પણ ફાંફા છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ જાણ કરવામાં આવેલ નથી તેમજ ટાઈમ પણ આપવામાં આવેલ નથી. આવા સમયમાં નાના ગરીબ પરિવારોને તંત્ર અને સરકારે મદદરૂપ થવું જોઈએ. તેના બદલે નાના અને ગરીબ માણસોને પડયા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા લારી અને ગલ્લા-કેબિન જે રીતે વાહનમાં લઈ જવામાં આવી રહ્યા છે. તે જોતાં આ નાના ગરીબ પરિવારને લારી-કેબીનને અને અંદર રહેલો સામાન જતો રહેવાથી ભયંકર નુકસાન ભોગવવાનો વારો આ ગરીબ ધંધાર્થીઓને આવશે. સરકારે ગરીબ ધંધાર્થીઓ સામે રહેમ દ્રષ્ટિ રાખીને આવા નાના ધંધાર્થીઓને આવા કપરા સમયમાં નુકસાનીનો સામનો ન કરવો પડે અને આવનારા દિવસોમાં ધંધા રોજગાર શરૂ થાય તેવી વ્યવસ્થા કરવા તેમજ હાલની આ કાર્યવાહી બંધ રાખવા અપીલ કરવામાં આવેલ છે.