પરપ્રાંતિયોની વતન જવાની મંજૂરી આપોની ઉગ્ર માંગ : પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો મોરબી : મોરબીમાં રહેતા હજારો પરપ્રાંતિયોને પોતાના વતન જવા માટે મેડિકલ સર્ટી મેળવવા હાલાકી પડતી હોવાથી આજે મોટી સંખ્યામાં પરપ્રાંતિયોની ભીડ કલેકટર કચેરીએ રજુઆત કરવા ઉમટી પડી હતી. જો કે પરપ્રાંતિયોના હંગામાથી અફડાતફડી મચી ગઇ હતી. જેને પગલે પોલીસે બંદોબસ્ત વધારી ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મોરબીમાં રહેતા હજારો પરપ્રાંતિયોને વતન જવાની છૂટ આપ્યા બાદ મેડિકલ સર્ટી મેળવવા માટે દરેક પીએચસી સેન્ટરોમાં ભારે ઘસારો થઈ રહ્યો છે. લાલપર, સો ઓરડી, લખધીરપુર સહિતના અનેક પીએસસી સેન્ટરોમાં મેફિકલ સર્ટી મેળવવા માટે પરપ્રાંતિયોની ભારે ભીડ ઉમટી પડી હતી. તેમજ રાત્રીથી ઘણા પીએસસી સેન્ટરોમાં પરપ્રાંતિયોની કતારો લાગી હતી. જોકે મેડિકલ સર્ટી. મેળવવા માટે ભારે હાલાકી પડતી હોવાથી પરપ્રાંતિયો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ઉમટી પડ્યા હતા. પરપ્રાંતિયોની કલેકટર કચેરીએ ભીડ જામતા ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બી ડિવિઝન પીઆઇ ગઢવી સહિતના સ્ટાફે કલેકટર કચેરીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે પોલીસે પરપ્રાંતિયોને કલેકટર કચેરી અંદર પ્રવેશતા અટકાવી દીધા હતા. પરપ્રાંતિયોએ વતન જવાની મજૂરી આપો એવી ઉગ્ર માંગ કરી હતી. આ શ્રમિકોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે ફેકટરીવાળાએ હાથ ઊંચા કરી દેતા અને તંત્ર તરફથી યોગ્ય સહયોગ ન મળતા વતન જવાની મંજૂરી મેળવવામાં હાલાકી પડે છે. જોકે રજુઆત કરવા આવેલા આ શ્રમિકોએ રોષે ભરાઈને જીઆરડી જવાન ઉપર પથ્થરમારો કર્યો હોવાનું પણ જાણવા મળે છે. તેથી, પોલીસ હરકતમાં આવી ગઈ છે અને કલેકટર કચેરીએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.