લોકો બજારમાં આરામથી અવરજવર કરી શકે તે માટે પોલીસે મોટાભાગના રસ્તા ઉપરના બેરીકેટેડ હટાવ્યા મોરબી : કોરોના મુક્ત થતા ગ્રીન ઝોન તરીકે જાહેર થયેલા મોરબી જિલ્લામાં લોકડાઉન-3માં વેપાર-ઉધોગ ધમધમતા થયા તે માટે સરકારે વધુ આંશિક છૂટછાટ આપી છે. અમુક પ્રતિબંધિત દુકાનોને બાદ કરતાં આજે મોરબીમાં મોટાભાગની દુકાનો ખૂલી હતી. જેના પગલે મોરબીની બજારો 40 દિવસ પછી ધમધમી ઉઠી હતી અને જનજીવન સામાન્ય બન્યું હતું. જોકે બજારોમાં લોકોને અવરજવરમાં અગવડતા ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી. મોરબીમાં આજે 40 દિવસ પછી બજરોમાં ધમધમાટ જોવા મળ્યો હતો. મોટાભાગની દુકાનો ખુલતાં લોકોની આજે સામાન્ય દિવસો જેવી અવરજવર રહી હતી. લાંબા સમય પછી બજારો ધમધમતા લોકો ખરીદી માટે સામાન્ય દિવસોની જેમ જ ઉમટી પડ્યા હતા. જ્યારે લોકો બજારમાં આરામથી અવરજવર કરી શકે તે માટે પોલીસે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં અગાઉ લોકડાઉન 1-2માં મોટાભાગના રસ્તા બંધ કરી દેવાયા હતા. આજે બજારો ધમધમી ઉઠતા પોલીસે પણ લોકોને યોગ્ય સહકાર આપીને બંધ કરાયેલા મોટાભાગના રસ્તા ઉપરના બેરીકેટેડ હટાવી દીધા હતા. દુકાનદારો સરકારની સામાજિક અંતરની વ્યવસ્થા સહિતની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરે તે માટે પોલીસે પેટ્રોલીગ કરીને વેપારીઓને અપીલ કરી હતી. એકંદરે 40 દિવસ પછી મોરબી શહેર કોરોનાની મહામારીને મ્હાત આપીને પુનઃ ધબકતું થયું છે. લોકડાઉનમાંથી મોરબી બહાર આવ્યું હોય ત્યારે સારો માહોલ દેખાયો છે. સાથોસાથ બજારોમાં આવતા લોકો અને વેપારીઓ સરકારની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરે તે માટે પોલીસે પેટ્રોલીગ કરીને અપીલ કરી છે.