વિક્રેતાઓ છાપેલી કિંમત કરતાં વધુ ભાવે રાસાયણિક ખાતરનું વેચાણ નહિ કરી શકે મોરબી : મોરબી જિલ્લાના તમામ રાસાયણિક ખાતર વિક્રેતાઓને પોતાની પેઢીના લાઇસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ રાસાયણિક ખાતરનું વેચાણ “O” ફોર્મનો ઉમેરો કર્યા બાદ જ કરવું તેમજ ખેડુતના આધારકાર્ડ ફરજીયાત મેળવી POS (Point Of Sale) મશીન દ્વારા જ સબસીડાઈઝ ખાતરનું વિતરણ કરવા નાયબ ખેતી નિયામક (વિ.) દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત, વિક્રેતાઓએ રાસાયણિક ખાતરના વેચાણમાં વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી. કોઈ પણ વિક્રેતાએ ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરવું નહી. યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરના વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો ખેડુતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહી. FCO-1985 ની જોગવાઈ મુજબ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. સરકાર દ્વારા માન્ય કંપનીના જ રાસાયણિક ખાતર વેચાણ કરવા તેમજ સોઈલ કંડીશનરને રાસાયણિક ખાતર તરીકે વેચાણ કરવું નહી. રાસાયણિક ખાતર વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું રાસાયણિક ખાતર વેચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક(વિ.) મોરબી, એસ.એ. સીણોજીયાની યાદી જણાવાયું છે. ખાતર વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનીટાઈઝર વિગેરેનો ઉપયોગ ફરજિયાતપણે થાય અને સોશીયલ ડીસ્ટન્સ જળવાય તેમજ COVID-19 બાબતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતોવખતની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.