શ્રમિકોની વિશાળ સંખ્યા હોવાથી ટ્રેનની મંજૂરી મળવાના ઉજળા સંકેતો : શ્રમિકોના ડેટા એકત્ર કરવાનું શરૂ, શ્રમિકોને ધીરજ રાખવા અપીલ મોરબી : મોરબી જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો વિશાળ સંખ્યામાં હોય તેઓને વતન પરત મોકલવા માટે તંત્ર દ્વારા ટ્રેન વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે ઉપરી કક્ષા સુધી વાત પહોંચાડવામાં આવી છે. થોડા દિવસોમાં ટ્રેનની વ્યવસ્થા ગોઠવાય જાય તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા માત્ર 4 દિવસમાં 73 હજારથી વધુ શ્રમિકોને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ ઘણા શ્રમિકો મેડીકલ સર્ટિફિકેટ મેળવવામાં બાકી છે. એટલે એક અંદાજ મુજબ જિલ્લામાં દોઢ લાખથી પણ વધુ શ્રમિકો હોવાનું તારણ છે. આમાંથી મોટાભાગના શ્રમિકો વાહન વ્યવસ્થા કરી શકે તેમ નથી. ત્યારે સુત્રોમાંથી મળતી વિગત મુજબ આટલી મોટી સંખ્યામાં શ્રમિકોને તેમના વતન પહોંચાડવા તંત્ર માટે પડકારરૂપ બન્યું છે. અને ટ્રેનની વ્યવસ્થા ગોઠવવી તે એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાંથી ટ્રેન મારફત શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાનો તખ્તો ઘડાઈ ચુક્યો છે. ટૂંક સમયમાં મોરબી જિલ્લાના શ્રમિકો માટે ખાસ 8 ટ્રેનો દોડાવવામાં આવનાર છે. જો કે આ મામલે હજુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ તંત્ર ટ્રેનને લઈને ઉપરી કક્ષા સાથે સતત સંપર્કમાં છે. અને આ ટ્રેન માટે શ્રમિકોના ડેટા તૈયાર કરવાની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે. માટે દરેક શ્રમિકો પોતાની વિગતો પોતાની ફેકટરીના માલિક કે સંચાલક સુધી પહોંચાડે અને ધીરજ રાખે તે અત્યંત જરૂરી છે.