જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે બે જસ સેન્ટરો હોય અન્ય તાલુકાના ખેડૂતોને હાલાકી પડતી હોવાથી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરીને મોરબી જિલ્લાના દૂરના તાલુકામાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટરો શરૂ કરવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે ,સરકારના સીસીઆઈ.દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં શિવમ જિન અને લક્ષ્મીકાંત જિન એમ બે જ સેન્ટરોમાં સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.જ્યારે મોરબી જિલ્લામાં તમામ જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે.તેથી ટંકારા તાલુકા સિવાયના મોરબી ,વકાનેર, હળવદ,માળીયા તાલુકામાં કપાસની ખરીદી માટેના સેન્ટરો ન હોવાથી ખેડૂતોને ટંકારના આ બે સેન્ટરોમાં જ કપાસ વેચવા જવું પડે છે.ખેડૂતોને લાંબા અંતરે જવા માટે વાહન ભાડું પોસાય તેમ નથી,વળી હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં વાહન માલિકો ખેડૂતોના કપાસ લઈ જવા માટે વધુ ભાડું વસુલ કરે છે.આમ છતાં ક્યારેક કપાસ લઈ જવા માટે તૈયાર પણ થતા નથી.તેથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે.આથી ખેડૂતોના હિતમાં ટંકારા સિવાઇન બાકીના તાલુકાઓમાં કપાસની ટેકા ભાવે ખરીદી માટે કેન્દ્રો ખોલવાની માંગ કરી છે.