અમે બધા જ વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવીએ છીએ : પીઆઇ મોરબી : મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસ દ્વારા રવાપર રોડને જ ટાર્ગેટ બનાવવામાં આવતો હોવાના સોશિયલ મીડિયામાં ઓડિયો કલીપ મારફત આક્ષેપો થતા એ ડિવિઝન પીઆઇએ સોશિયલ મીડિયામાં ઓડિયો કલીપ મારફત જ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે અમે બધા જ વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવીએ છીએ. કોઈ વિસ્તાર કે લોકો સાથે ભેદભાવ રાખવામાં નથી આવતો. હાલ લોકડાઉનની કડક અમલવારી કરાવવા પોલીસ કામ વગર બહાર નીકળતા લોકો સામે આકરી કાર્યવાહી કરી રહી છે. જેમાં અમુક જગ્યાએ પોલીસ દ્વારા અતિરેક થઈ રહ્યાની પણ ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં રવાપર રોડના બે રહેવાસીઓએ સોશિયલ મીડિયામાં પોલીસ ઉપર એવા આક્ષેપ કર્યા હતા કે પોલીસ રવાપર રોડ ઉપર જ કાર્યવાહી કરી રહી છે. ટોટલ ડિટેઇન કરાયેલા 190 વાહનમાંથી 150 રવાપર રોડના હતા. જો કે આ આક્ષેપ બાદ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇએ પણ સોશિયલ મીડિયામાં પોતાનો ઓડિયો મુક્યો છે. જેમાં તેઓએ આ આક્ષેપનો ખુલાસો કર્યો છે. ખુલાસામાં તેઓએ જણાવ્યું કે અમે જે કાંઈ કરી રહ્યા છીએ એ નાગરિકોની સુરક્ષા માટે કરી રહ્યા છીએ. પોલીસ દિવસ રાત ડ્યુટી કરે છે અને તડકામાં પણ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી છે. પોલીસ માત્ર રવાપર રોડ પર જ કાર્યવાહી કરે છે તે ખોટું છે. પોલીસે કોઈ એક ડ્રોનની સેવા લીધી નથી જે રવાપર રોડ પર જ રાખવામાં આવે છે. એ ડિવિઝનમાં અત્યાર સુધી 8 ડ્રોનની સેવા લેવામાં આવી છે અને રેગ્યુલર વાવડી રોડ, પંચાસર રોડ, જૂનો મોરબી વિસ્તાર, લીલાપર રોડ, સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારો, શનાળા રોડ પર હાઉસિંગ વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં ડ્રોનના એરિયા નક્કી કરી કાર્યવાહી કરાય છે. વધુમાં તેઓએ કહ્યું કે લોકોએ ડબલ સવારીમાં બહાર ન આવવું જોઈએ. કામ વગર બહાર નીકળતા લોકોના ટુ વહીલર ડિટેઇન કરાય છે. ફોર વહીલરમાં પણ બે થી વધુ વ્યક્તિ હોય તો તેને ડિટેઇન કરીએ છીએ. એવા જ વાહનો ડિટેઇન કરીએ છીએ જે સામાન્ય કારણોસર બજારમાં નીકળ્યા હોય. સમગ્ર એ ડિવિઝન વિસ્તારમાં કડક રીતે લોકડાઉનનુ પાલન કરવામાં આવી રહ્યું છે. જો કોઈને એવું લાગતું હોય કે ફક્ત રવાપર રોડ પર જ કાર્યવાહી થાય છે તો રેકોર્ડ ચેક કરી શકો છો. અંતમાં તેઓએ ઉમેર્યું કે પોલીસ પ્રત્યે બીજા લોકોમાં નફરત પેદા થાય તેવી અફવા ન ફેલાવશો. જોકે એ ડિવિઝન વિસ્તારમાં અમુક જગ્યાએ ચેક પોઇન્ટ પર રહેલ પોલીસ દ્વારા અતિરેક થઈ રહ્યાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જેમાં જરૂરી કામ સાથે નીકળેલા લોકો અને વાહન ચાલકો પણ દંડનીય કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે. આ બાબતે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.