ઓનલાઈનની અટપટી પ્રક્રિયામાં અટવાતા અલ્પશિક્ષિત અને અભણ શ્રમિકો : પ્લાનિંગ સાથે ઓફલાઇન પ્રક્રિયાની વ્યવસ્થા જરૂરી મોરબી : આવતી કાલે સોમવારથી લોકડાઉન 03નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે લોકડાઉન 02ના પૂર્ણતાકાળે સરકારે પરપ્રાંતિ શ્રમિકો, કારીગરો, કર્મચારીઓ માટે વતન વાપસીની ગાઈડલાઇન્સ જારી કરી છે. જેમાં મુખ્યત્વે હાલ જ્યાં રહેતા હોય ત્યાંના સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાંથી (પી.એચ.સી) આરોગ્ય પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. જો કે ત્યારબાદ પરમિશન માટેની પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અલ્પશિક્ષિત કે અભણ શ્રમિકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વતન વાપસી માટે સરકારી તંત્રએ મંજૂરી તો આપી દીધી છે પરંતુ એ માટે ઓનલાઈન પ્રક્રિયાની અટપટી વ્યવસ્થાથી શ્રમિકો આમથી તેમ ભટકી રહ્યા છે. આ ઓનલાઈન પ્રક્રિયામાં શરૂઆતના પહેલા ચરણમાં જ શ્રમિકે પોતાની પ્રોફાઈલ બનાવવાની હોય છે. જે બનતી નથી અથવા બની જાય તો જે સર્ટિફિકેટ તેમાં અપલોડ કરવાના હોય તે થતા નથી. જેમાં ઘણી વખત એરર આવવાની સમસ્યા સામે આવી રહી છે. ઓનલાઈન અપલોડ કર્યા બાદ ઘણા કેસોમાં 24 કલાક બાદ અને ઘણા કેસમાં 48 કલાક બાદ પણ મંજૂરી નથી મળતી. વળી ઓનલાઇન વેબસાઈટ પણ પરપ્રાંતિઓને સમજણમાં આવતી નથી. ઓનલાઈન પ્રક્રિયામાં બધાજ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ મળેલી મંજૂરીની અવધિ 3 દિવસની જ રાખવામાં આવી હોવાથી બે દિવસની પ્રક્રિયા પછી હાથમાં આવતી મંજૂરી માત્ર 1 દિવસ જ માન્ય રહી જતી હોય મેળવેલી મંજૂરી નિરર્થક સાબિત થાય છે. આવા સંજોગોમાં જો શ્રમિક વતન ભણી પ્રયાણ કરે છે તો અરજી કર્યાથી લઈને રવાનગી સુધીનો ત્રણ દિવસનો સમયગાળો પૂરો થઈ ગયો હોય ચેકપોસ્ટ પરથી શ્રમિકોને પરત મોકલાય છે. આવા સંજોગોમાં શ્રમિકો ગેરકાયદે વતન તરફ જવા પ્રયાસ કરે છે. જેથી તેઓને માર્ગમાં અતિ કઠણાઈનો સામનો કરવો પડતો હોય છે. આ બધી અસમંજસની સ્થિતિમાં તંત્ર દ્વારા પરમિશન માટે ઓફલાઇન વ્યવસ્થા વધુ અનુકૂળ રહે એવું જાણકારો ચર્ચી રહ્યા છે. જાણકારો તરફથી આ માટે સૂચનો આવી રહ્યા છે જે પ્રમાણે પીએચસી સેન્ટરમાં નાયબ મામલતદાર સહિતના સ્ટાફને રોકી હાથોહાથ પરમિશન આપવામાં આવે તો સમય અને શક્તિનો વ્યય બન્ને તરફ અટકી શકે છે. મોટા ભાગના શ્રમિકો હાલની પરિસ્થિતિમાં વાહનો વિના દૂર દુરની ફેકટરીઓમાંથી પીએચસી સેન્ટર પર બાળકો, મહિલાઓ સાથે પગપાળા પહોંચવા મજબૂર છે. ત્યારે તંત્રે આ દિશામાં વિચારણા કરી સત્વરે યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/