પાનની દુકાનો અને ચા-નાસ્તાની લારીઓ પર પ્રતિબંધ યથાવત રહેવાની શક્યતા : કાલે ઓફિસયલી જાહેરનામું બહાર પડશે તમામ ધંધા- રોજગારને નિયમોની ચુસ્ત અમલવારી સાથે અપાશે છૂટછાટ : 50 ટકા પેસેન્જરની શરત સાથે બસ સેવા પણ શરૂ થશે મોરબી : મોરબી જિલ્લો ગ્રીન ઝોનમાં આવતો હોવાથી તા.4મેં થી ત્રીજા લોકડાઉનમાં અમુક છૂટછાટ મળવાની છે. જેમાં જિલ્લામાં તમામ ચીજ- વસ્તુઓની દુકાનો શરૂ થઈ જશે પરંતુ પાન- માવાની દુકાનો અને ચા- નાસ્તાની લારીઓ પર પ્રતિબંધ યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે જિલ્લામાં રીક્ષા અને બસ સેવા પણ 50 ટકા પેસેન્જરની શરતો સાથે શરૂ થનાર હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જોકે આ અંગે આવતીકાલે જિલ્લા કલેકટર ફાઇનલ નોટિફિકેશન બહાર પાડશે. મળતી માહિતી અનુસાર મોરબી સહિતના દેશના 319 જિલ્લાઓ ગ્રીન ઝોન જાહેર કરાયા છે. જેમાં તા.4 મેના રોજથી 50 ટકા બસો દોડી શકશે. પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધારે નહીં હોય. એટલે કે કોઈ બસમાં 50 સીટો છે તો 25થી વધારે યાત્રીઓ સફર નહીં કરી શકે. આ ઝોનમાં જીવનજરુરિયાતનાં સામન ઉપરાંત બિનજરુરી સામાનની પણ છૂટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં તમામ આર્થિક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી છે. પાછલા ૨૧ દિવસથી કોરોના વાયરસના એકપણ કેસ નથી મળ્યા તે જિલ્લાને ગ્રીન ઝોનમાં મુકાયા છે. આવા જિલ્લાઓમાં કારખાના, નાના મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, દુકાનો સહિત અન્ય સેવાઓ શરતો સાથે સંપૂર્ણ રીતે ખોલવા મંજૂરી મળવાની છે. બીજી તરફ તમામ જિલ્લા કલેકટરોને શુ શરૂ કરવું અને શું બંધ કરવું તે આખરી નિર્ણય લેવાની સતા આપવામાં આવી છે. જે મુજબ મોરબી જિલ્લામાં કલેકટર દ્વારા અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. ત્યારબાદ પાન- માવાની દુકાનો અને ચા-નાસ્તાઓની લારીઓ ઉપર પ્રતિબંધ યથાવત રાખવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તા.4 થી 17મેં સુધી લગાવવામાં આવેલા લોકડાઉન-3માં રેડ- ઓરેન્જ અને ગ્રીન એટલે કે તમામ ઝોનમાં વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા, આંતર-રાજ્ય રોડ અવરજવર, શાળા-કોલેજો, યુનિ. થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો, જાહેર કાર્યક્રમો બંધ રહેશે. સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે. તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે.