મોરબી : શહેરમાં આજે સતત ત્રીજા દિવસે નગરપાલિકાની ટીમો દ્વારા વિવિધ દુકાનોનું ચેકીંગ હાથ ધરી સડી ગયેલી કે વાસી ચીજ-વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા આજે સતત ત્રીજા દિવસે શહેરમાંથી અખાદ્ય ચીજ-વસ્તુઓનો જથ્થો ઝડપી પાડી તેનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવ્યો હતો. આજે સામા કાંઠે આવેલી ફરસાણ, દૂધની ડેરીઓ તેમજ બેકરીઓનું ધનિષ્ઠ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં અખાદ્યય બની ગયેલા ફરસાણ, શ્રીખંડ જેવી દૂધજન્ય મીઠાઈ અને બેકરીની વિવિધ આઇટમો કે જેમાં એક્સપાયરી ડેટ આવી જવા છતાં વેચાણઅર્થે રાખવામાં આવી હોય એવા કુલ 273 કિલો વાસી થઈ ગયેલી ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 11 દુકાનોમાંથી ઉક્ત જથ્થો ચકાસીને અખાદ્ય જણાતા તેનો નાશ કરાયો હતો. આગામી દિવસોમાં પણ તમામ પ્રકારની ખાદ્ય દુકાનોમાં આ ચેકીંગ ઝુંબેશ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે. આજની કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, સેનેટરી ઇન્સ. કૃષ્ણસિંહ જાડેજા, ફૂડ ઇન્સ. ચિરાગ નિમાવત, રમેશભાઈ, મહેશભાઈ, શક્તિભાઈ રાઠોડ સહિતની ટીમ જોડાઈ હતી.