સરપંચની અધ્યક્ષતામાં તલાટી-મંત્રી, શાળા આચાર્ય-શિક્ષક, સ્થાનીય અગ્રણીઓ, એફ.પી.એસ. સંચાલક સહિતનો માનદ સ્ટાફ કોરોના સંક્રમણ રોકવા તેમજ અન્ય મુશ્કેલી દૂર કરવા ખડેપગે રહેશે હળવદ : કોરોના સામેની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. વિવિધ સરકારી સ્તરે કોરોનાનું સંક્રમણ રોકવા માટે ગ્રાઉન્ડ લેવલ સુધી શક્યતઃ તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે હળવદ ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા સ્થાનીય કક્ષાએ ગ્રામ યોદ્ધા સમિતિની રચના કરી છે. આ ગ્રામ યોદ્ધાઓ ઉચ્ચકક્ષાએથી આવતા તમામ સરકારી આદેશોનું ગ્રામ્ય લેવલે પાલન કરાવવા માટે કટિબદ્ધ રહેશે. હાલમાં 15 એપ્રિલથી 3 મે સુધીનું દ્વિતીય તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. મોટાભાગના કોરોના સંક્રમિત કેસો મહાનગરોમાંથી આવી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ ભારે સતર્કતા રાખતા કોરોના સંક્રમણ હજુ ગામડાઓથી દૂર જ રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પણ કોરોનાની મહામારી ગ્રામીણ ક્ષેત્રોમાં ન પ્રવેશે એ માટે કેટલાક નિર્ણાયક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગ્રામ યોદ્ધાઓની સમિતિની રચના કરવામાં આવી છે. આ ગ્રામ યોદ્ધા સમિતિના અધ્યક્ષ સ્થાને જે-તે ગામના સરપંચ રહેશે. તલાટી કમ મંત્રીને સભ્ય સચિવનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ સમિતિમાં શાળાના શિક્ષકો, આચાર્યો, ગામના સ્થાનીય અગ્રણી, એફ.પી.એસ. સંચાલક તેમજ અન્ય પ્રતિનિધિઓને નિમણુંક અપાશે. આ સમિતિના સભ્યો માટેની કામગીરી સ્પષ્ટ કરવામાં આવી છે જે મુજબ લોકડાઉન દરમ્યાન સરકારની વિવિધ યોજનાઓની અમલવારી કરાવવી, ગામે ગામ સેનિટાઈઝેશન કરાવવું, કોરોનાની મહામારી પ્રત્યે લોકજાગૃતિ અર્થે પ્રયાસરત રહેવું, ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેની તપાસ કરાવીને સરપંચ મારફતે મેડિકલ ઓફિસરને રિપોર્ટ કરવો, ગામની કોઈ વ્યક્તિ ગામ બહાર ન જાય અને બહારની કોઈ વ્યક્તિ ગામમાં ન પ્રવેશે તેની તકેદારી રાખવી તેમજ બહારની કોઈ વ્યક્તિ ગામમાં પ્રવેશે તો તેની માહિતી સરપંચ મારફતે તાલુકા વિકાસ અધિકારીને આપી કંટ્રોલરૂમમાં જાણ કરવી. સરકારની યોજના મુજબનું રાશન વિતરણ ગામમાં કરવું તેમજ જો કોઈ વ્યક્તિને રાશનકીટની જરૂરિયાત હોય તો એ અંગે પૂરવઠા શાખામાં અહેવાલ મોકલવો. આ ઊપરાંત કોઈ પણ ગ્રામ્યજન આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત ન રહે એ માટે આગોતરું આયોજન કરી તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ મોકલવો. આ રીતે ગ્રામ યોદ્ધાઓની કામગીરી નક્કી કરવામાં આવી છે.