મોરબી : લોકડાઉનના સન્નાટા વચ્ચે ક્યારેક ક્યારેક માનવતાનો કલરવ ગુંજી ઉઠે છે. એવો જ એક પ્રેરણાદાયી બનાવ આજે ઉજાગર થયો હતો. મોરબીના નગર દરવાજા ચોકમા આજે બુધવારે બપોરના 3 વાગ્યાના સુમારે, ધોમધખતા તાપમાં એક અસ્થિર મગજનો માણસ ચાલતા ચાલતા જતો હતો ત્યારે પોલીસકર્મીઓનું તેના તરફ ધ્યાન ગયું હતું. પ્રથમ દ્રષ્ટિએ જ માનસિક અસ્થિર દેખાતા શખ્સને જોઈ પોલીસકર્મીઓએ તેને પ્રથમ તો છાંયામાં બેસાડ્યો હતો અને ત્યારબાદ તેને ઠંડુ પાણી પીવડાવી અને નાસ્તો કરાવ્યો હતો. લોકડાઉનની સ્થિતિને ન સમજી શકતા એ શખ્સના ચહેરાના હાવભાવ પરથી એટલું તો ચોક્કસ કળી શકાતું હતું કે પોલીસકર્મીઓની ઉદ્દાત ભાવનાને તો એ સમજી જ ગયો હતો. જ્યારે ફરજના ભાગરૂપે અનાયાસે આવા કરેલા સદકાર્ય પામવાનો સંતોષ પણ પોલીસકર્મીઓના મોં પર સ્પષ્ટ વર્તાતો હતો.