જલારામ સેવા મંડળે જિલ્લા કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીમાં પાણીપુરીનો ધંધો કરતા બહાર રાજ્યોના શ્રમિકોની લોકડાઉનના કારણે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. જોકે લોકડાઉનના કારણે પાણીપુરીનો ધંધો બંધ છે. હાલ તો આ લોકોને રાશન પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી છે. પણ આ પરપ્રાંતિયોની હાલત ખરાબ હોય, તેથી તેમને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવા અંગે જલારામ સેવા મંડળે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. મોરબી જલારામ સેવા મંડળે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબીમાં પાણી પુરીનો ધંધો કરતા બહાર રાજ્યોના 150 જેટલા લોકો વીસીપરા વિસ્તાર વસવાટ કરે છે. આ પરપ્રાંતિયો પાણીપુરીનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પણ લોકડાઉનને કારણે પાણીપુરીનો ધંધો બંધ છે. આવી પરિસ્થિતિમાં આ પરપ્રાંતીયો માટે જમવાની વ્યવસ્થા આ સંસ્થાએ કરી છે. જોકે રાજ્ય સરકારે આંશિક છુટછાટ આપતા અમુક ધંધા-રોજગાર ચાલુ થયા છે. પરંતુ પાણી પુરી વેચવા ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો છે. આથી, આ લોકોનું હાલ આવકનું કોઈ સાધન ન હોય અને 33 દિવસથી પરિવારથી દૂર રહીને જીવન પસાર કરી રહ્યા છે અને તેમની હાલત ખરાબ હોવાથી આ પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવાની તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવી આ સંસ્થાએ માંગ કરી છે.