ગઈકાલે પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે બીજો રિપોર્ટ પણ નેગેટિવ : આવતીકાલ સુધીમા મળી જશે રજા મોરબી : મોરબી જિલ્લો આજે કોરોનામુક્ત બની ગયો છે. કારણકે મોરબીના ઉમા ટાઉનશીપના જે આધેડ કોરોનાગ્રસ્ત હતા તેઓના બન્ને રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે. આમ તેઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. માટે આવતીકાલ સુધીમાં તેઓને આઇસોલેશન વોર્ડમાથી રજા પણ આપી દેવામાં આવનાર છે. મોરબી જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ શહેરની ઉમા ટાઉનશીપમાં નોંધાયો હતો. ત્યાંના આધેડ અશોકભાઈ સિદ્ધપરાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ આધેડ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેઓના ગઈકાલે ફરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી આજરોજ પણ ફરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આમ ગાઈડલાઈન પ્રમાણે જો પોઝિટિવ દર્દીના બે રિપોર્ટ નેગેટિવ આવે તો તે સાજા થઈ ગયા હોવાનું જાહેર કરવામાં આવે છે. માટે મોરબીના આધેડ પણ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે અને તેઓને આવતીકાલ સુધીમાં આઇસોલેશન વોર્ડમાંથી રજા આપી દેવામાં આવનાર છે.