ટીકર ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય હળવદ : ૨૧ દિવસના લોકડાઉન બાદ હાલ બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસને લઈ ખાસ કરીને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર, ગ્રામ પંચાયત તેમજ વેપારીઓ દ્વારા તકેદારી રખાઈ રહી છે. ટીકર ગ્રામ પંચાયત દ્વારા આગામી તારીખ ૨૬ એપ્રિલ થી ૩ મે સુધી સ્વેચ્છિક રીતે જનતા કફર્યૂ પાડશે તેવું ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે. હાલમાં કોરોનાને લઈ બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને કોરાનાના કહેરથી ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ જાગૃત બની રહ્યા છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ લોકો બહારથી આવે તો તેની પુછપરછ કરાઈ રહી છે. તેમજ જરૂર જણાય તો આ બાબતથી તંત્રનું પણ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. આમ, તમામ પ્રકારની તકેદારી રખાઈ રહી છે. ત્યારે આજે હળવદ તાલુકાના ટીકર ગ્રામ પંચાયત દ્વારા કોરોનાને હરાવવા ૨૬ એપ્રિલ થી ૩ મે સુધી કર્ફ્યુ પાડવાનો નિર્ણય કરાયો છે. જોકે જુદા જુદા પાંચ સુચનો પણ જાહેર કરાયા છે. જેમાં જણાવાયું છે કે હાલમાં અમદાવાદમાં શાકભાજી વાળાઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી, ૩ મે સુધી બહારથી આવતી શાકભાજી ગામમાં સદંતર બંધ કરવામા આવી છે. અનાજ કરીયાણાની દુકાનો સાંજે ૪ થી ૬ એમ બે કલાક જ તમામ નિયમોને જાળવીને ખુલ્લી રાખી શકાશે. જયારે દૂધની ડેરી સવારે ૮થી ૧૦ તેમજ મેડીકલ સેવા આખો દિવસ ચાલુ રહેશે. સાથે જ ઘંટી સવારે ૮થી ૧૦ અને સાંજે ૪ થી ૬ ચાલુ રહેશે. તેમ ટીકર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલ દ્વારા જણાવાયુ છે.