મોરબી : હાલમાં સમગ્ર દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ બીજા તબક્કાના લોકડાઉનમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે લોકડાઉન જરૂર જણાય તો આવશ્યક સેવા માટે ઉપરથી એસટી સેવાનો ઉપયોગ લેવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આદેશને પગલે મોરબી જિલ્લામાં તકેદારીના ભાગરૂપે 25 જેટલી એસટી બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને એસટી ડ્રાઇવર, કંડકટર સહિતના સ્ટાફ પણ ખડેપગે રાખવામાં આવ્યો છે. મોરબી ડેપો મેનેજર ડી.એમ.શામળા અને વાંકાનેર એસટી ડેપોના મેનેજર જયુભા જાડેજાએ જણાવ્યું હતું કે લોકડાઉનમાં તકેદારીના ભાગ રૂપે મોરબી જિલ્લામાં જરૂર જણાય તો ઉપયોગમાં લેવા માટે 25 એસટી બસો તૈયાર રાખવામાં આવી છે. સરકાર દ્વારા હાલમાં રાજયના તમામ ડેપોને બસોને સ્ટેન્ડ બાય રાખવા સુચના આપવામાં આવી છે. જેના પગલે મોરબી જીલ્લામાં 25 એસટી બસો 50 ડ્રાઈવર સાથે સ્ટેન્ડ ટું રાખવામાં આવી છે. આ 25 એસટી બસોમાં મોરબી એસટી ડેપોની 10 બસો, 20 ડ્રાઈવર સાથે અને વાંકાનેર એસટી ડેપોની 15 બસો અને 30 ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ એસટી બસો અને ડ્રાઇવરને ખડેપગે રાખીને તમામ બસોને સેનેટાઇઝર કરવામાં આવી છે.