મોરબી જિલ્લામાં ૬૪ સ્થાનો પર સંઘના ૩૧૨ કાર્યકર્તાઓ દ્વારા ૧૬૬૫ રાશનકીટ બનાવીને વિતરણ કરાયું ૧૯૨૯૮ લોકોને ટીફીન પહોંચાડવામાં આવ્યા : ૭૨૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું ૭૦૦ જેટલા આયુર્વેદીક ઉકાળા અને સફાઇ અને પોલીસ કર્મીઓને ૮ દિવસ ચા-પાણીની સુવિધા મોરબી : આર.એસ.એસ.ના ટૂંકા નામથી ઓળખાતું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના રાષ્ટ્રભક્તિ યુક્ત શાખા કાર્યોથી તો ઓળખાય જ છે સાથો સાથ રાષ્ટ્ર પર જ્યારે કુદરતી કે માનવસર્જિત આપત્તી આવી પડે છે ત્યારે સેવા કાર્યોમાં સંઘના સ્વયંસેવકો સૌથી આગળ પડતા હોય છે. હાલે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલ છે અને લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને ઘરમાં જ રહેવાનું છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાં ગરીબો અને મધ્યમ પરિવારોની સતત ચિંતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જવાબદાર અધિકારીઓ અને સામાન્ય સ્વયંસેવકો પણ કરી રહ્યા છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો આર.એસ.એસ. દ્વારા મોરબી જિલ્લામાં અનેક પ્રકારે સેવાકાર્યો ચાલી રહ્યા છે. મોરબી જિલ્લો સંઘકાર્યની દ્રષ્ટિએ રાજકોટ વિભાગમાં આવે છે. રાજકોટ વિભાગના સહકાર્યવાહ તરીકે દાયિત્વ સંભાળતા અને મોરબીના વિપુલભાઇ અઘારાએ જણાવ્યું હતું કે, સેવા થકી સંઘની સમગ્ર વિશ્વમાં અનોખી ઓળખ ઉભી થઇ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કાળથી અત્યાર સુધી દેશમાં ક્યારેય પણ આફત આવી છે ત્યારે સંઘના સ્વયંસેવકો પોતાનું કર્તવ્ય સમજીને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં લાગી જાય છે. વધુમાં, વિપુલભાઇ અઘારા જણાવે છે કે, મોરબીમાં પૂર હોનારત વખતે પણ સંઘના સ્વયંસેવકોએ રાત-દિવસ સેવા કરી હતી. હાલે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી પ્રભાવીત છે ત્યારે મોરબી જિલ્લામાં પણ સંઘ દ્વારા ત્રિસ્તરીય આયોજન હાથ ધરીને સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. સામાજિક અંતર જાળવવું, ઘરમાં રહીને જ રાષ્ટ્ર સેવારૂપી ફરજ નીભાવે તેવુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકડાઉન વધતાની જે ગરીબ પરિવારોના ધંધા-રોજગાર બંધ થયા હતા, તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો ત્યારે સંઘના સ્વયંસેવકોએ પહેલા તબક્કામાં ફક્ત રાશનકીટ વિતરણની કામગીરી સંભાળી હતી. પરંતુ લોકડાઉન-૨માં સ્વયંસેવકોએ આર્થિક સહયોગ આપી સ્વખર્ચે તૈયાર કરેલી રાશનકીટનું વિતરણ સમગ્ર મોરબી જિલ્લામાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યું હતું. સમાજના એવા મધ્યમ વર્ગના પરિવારો સુધી રાશનકીટ પહોંચાડવામાં આવી જે સામેથી રાશનકીટ માંગી નથી શકતા પરંતુ તેઓની પરિસ્થિતિને ધ્યાને લઇ સર્વે કરીને ખરેખર જેને જરૂરિયાત છે અને જેને અન્ય કોઇ સંસ્થા દ્વારા સેવા નથી પહોંચાડાઇ તેવા પરિવારો સુધી રાશનકીટ પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ અનુસાર સંઘના સ્વયંસેવકો તમામ રીતે કોઇપણ પ્રકારનું સેવા કાર્ય કરવા માટે સજ્જ છે. ટંકારા, પડધરી, વાકાંનેર, માળીયા, કુવાડવા સહિત સ્થાનોમાં ૫૫૦ થી વધુ સ્વયંસેવકોએ સેવા કાર્યોમાં ભાગ લીધો હતો. સમગ્ર મોરબી જિલ્લામાં સંઘના સ્વયંસેવકો દ્વારા ટીફીન સેવા, આયુર્વેદીક ઉકાળાનું વિતરણ, ગામોમાં દવા છંટકાવ, ફૂડ પેકેટ, વહિવટી તંત્રની સાથે રહીને રાશન વિતરણની કામગીરીમાં સહયોગ આપવા સહિતની કામગીરી કરી હોવાનું વિપુલભાઇ અઘારાએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સેવા પ્રમુખ તરીકેનું દાયિત્વ નીભાવતા રણછોડભાઇ પટેલે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં અત્યાર સુધી કુલે ૩૧૨ કાર્યકર્તાઓ દ્વારા ૧૬૬૫ રાશનકીટ બનાવીને વિતરણ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૯૨૯૮ જેટલા લોકોને ટીફીન પહોંચાડવામાં આવ્યા છે. ૭૨૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. ૭૦૦ જેટલા આયુર્વેદીક ઉકાળા બનાવીને લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. સતત આઠ દિવસ સુધી સફાઇ અને પોલીસ કર્મીઓને ચા-પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મોરબી જિલ્લાનું કેન્દ્ર એટલે મોરબી શહેર. મોરબી શહેરમાં સંઘ દ્વારા થઇ રહેલા સેવા કાર્યો અંગે મોરબી નગરના કાર્યવાહ જસ્મીનભાઇ જમનભાઇ હિન્સુએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંકટમાં સંઘના સ્વયંસેવકો રાષ્ટ્ર સેવામાં સતત કાર્ય કરી રહ્યા છે. લોકડાઉનના પ્રથમ તબક્કામાં અન્ય સંસ્થાઓના માધ્યમ થી રાશનકીટ વિતરણ કાર્યમાં મોરબી નગરના સ્વયંસેવકો મદદરૂપ થયા હતા. લોકડાઉનના બીજા તબક્કામાં સંઘના સ્વયંસેવકોએ પોતાના ખર્ચે લોકડાઉન પછી પણ સેવા ચાલુ રાખવા માટે તત્પરતા દાખવીને મોરબીમાં ૧૦૦૦થી વધુ રાશનકીટ વિતરણની કામગીરી હાલે ચાલી રહી છે. એક સામાન્ય પરિવાર પોતાનું જીવનનિર્વાહ ૧૦ દિવસ સુધી ચલાવી શકે તે માટે રાશનકીટમાં ૫ કીલો ઘઉનો લોટ, ૫ કિલો ઘઉં, બે કિલો ચોખા, ૫૦૦ ગ્રામ ચણા, ૫૦૦ ગ્રામ દાળ, ૧ કિલો ખાંડ, મીઠુ, તેલ, મસાલા, હળદર, મરચું, ખાંડ, બટાટા સહિતની સામગ્રી રાખવામાં આવી છે. મોરબી નગરના સહકાર્યવાહનું દાયિત્વ સંભાળતા ડૉ. જયદીપભાઇ કંઝારીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન-૧ના સમયમાં સંઘના સ્વયંસેવકોએ મોરબીમાં પોલીસ અને વહિવટી તંત્ર સાથે રહી સરકાર હસ્તકની સસ્તા અનાજની દુકાનોમાં જ્યારે રાશન વિતરણની કામગીરી કરવામાં આવી ત્યારે કોઇપણ પ્રકારે અવ્યવસ્થા ન સર્જાય અને સામાજિક અંતર જળવાઇ રહે તે માટે તમામ દુકાનો પર સંઘના સ્વયંસેવકોએ ગણવેશમાં સતત ૧૨ કલાક સુધી હાજરી આપીને વ્યવસ્થા સંભાળી હતી અને અનુસાશન જાળવવામાં મદદરૂપ થયા હતા. જેમાં મોરબી શહેરની તમામ ૪૨ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં સંઘના ૧૨૫થી વધુ સ્વયંસેવકોએ રાશન વિતરણના દિવસો દરમિયાન વ્યવસ્થા સંભાળી હતી. સમાજના લોકોને કોઇપણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટે સંઘ દ્વારા સેવા કાર્યો ચાલુ થયા છે. જેમાં પહેલા ચરણમાં સમાજની અન્ય સંસ્થાઓ અને લોકો પાસેથી રાશનકીટ મેળવીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૪૦૦ જેટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી આવેલા અને હાલે મોરબી શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં રહેતા ૮૦ થી વધુ પરિવારોને રાશન કીટ પહોંચાડવામાં આવી હતી. લેખન-સંકલન : ઘનશ્યામ પેડવા (સહાયક માહિતી નિયામક, મોરબી) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન...