ટંકારા : ટંકારાની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉપર થોડા દિવસો પહેલા એક શખ્સે હીંચકારો હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે આરોપીની પાસા હેઠળ અટકાયત કરીને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દીધો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.નરેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા ગત તા.6 એપ્રિલના રોજ સરકારી દવાખાને હતા. તે સમયે ટંકારામાં જ રહેતા નીતિનભાઈ કરશનભાઈ સોલંકી ઉ.વ.43 નામના શખ્સ પોતાને ઇજા થઇ હોવાનું કહીને આ સરકારી દવાખાને સારવાર લેવા આવ્યા હતા. પણ ડોક્ટરે તેમને તપાસીને કોઈ બાહ્ય ઇજા ના નિશાન ન હોવાનું અને ફાઇલ પણ જૂની હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો અને આ શખ્સે ડોકટર ઉપર હીંચકારો હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ડોક્ટરે આ શખ્સ વિરુદ્ધ હુમલો તથા ફરજમાં રૂકાવટ કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને પોલીસે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવા જિલ્લા કલેકટર દરખાસ્ત કરી હતી અને કલેકટરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા પોલીસે તાકીદે આરોપીની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દીધો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/