મોરબી : મોરબી તાલુકા ભાજપ દ્વારા તળાવો ઊંડા કરી, તેની માટી ખેડૂતોને ખેતર માટે લઇ જવા માટે પરવાનગી આપવા કલેક્ટર જે. બી. પટેલને માંગ કરાઈ છે. ભાજપ દ્વારા લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતલક્ષી બે અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચેકડેમો, નદીઓ, તળાવો ઉંડા કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. તેમજ ગુજરાતમાં 27 એપ્રિલથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. જે 30મી મે સુધી ચાલુ રહેશે. 27 એપ્રિલ થી 10 મે સુધી રજીસ્ટ્રેશન થશે. તમામ કામગીરી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવાની પણ ટકોર કરવામાં આવી છે. આ બંને ખેતીલક્ષી જાહેરાત આવકારદાયક છે. રાજ્ય સરકારની જાહેરાત અનુસંધાને મોરબી જિલ્લામાં ગ્રામીણ ક્ષેત્રમાં સત્વરે સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત ખેડૂતોને તળાવ ઊંડા કરી નીકળેલ માટી ખેતરમાં લઇ શકે. જેથી, ખેડૂતોને માટી, શ્રમિકોને રોજગારી તથા પાણી સંગ્રહ ક્ષમતા વધે. માટે મોરબીના ખેડૂતોને લાભ થાય એવી રીતે ટૂંક સમયમાં આ યોજના અમલમાં આવે એવી અપીલ કરાઇ છે.