પોલીસે આ બનાવની ફરિયાદને પગલે યુવતીના પરિવારના ચાર શખ્સોને ઝડપી લીધા મોરબી : મોરબીમાં પ્રેમલગ્ન કરી લેવાના મુદ્દે યુવતીનો પરિવાર ઉશ્કેરાયો હતો અને યુવતીના પરિવારજનોએ યુવાનના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ મામલે યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે યુવતીના પરિવારના ચાર સભ્યોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગોકુલનગર શેરી નં.૧૫ માં રહેતા થોભણભાઇ દેવજીભાઇ કણજારીયા (ઉ.વ.૫૮) એ આરોપીઓ દિનેશભાઇ શામજીભાઇ ડાભી, હંશરાજભાઇ શામજીભાઇ ડાભી, કિશન દિનેશભાઇ ડાભી, સતીષ હંશરાજભાઇ ડાભી (રહે.બધા મોરબી, શનાળા રોડ, ગોકુલનગર શેરી નં.૧૩) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૨ ના રોજ શનાળા રોડ પર ગોકુલનગર શેરી નં.૧૫ ફરીયાદીના મકાન પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીના દીકરાએ એક આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોઇ, જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીની દીકરી પર ચારાનો પુરો નાખી ફરીયાદી સાથે ઝઘડો કર્યો હતો. તેમજ વધુ ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને આરોપીઓએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને માથામાં ઇજા પહોંચાડી તથા ડાબા હાથની ટચલી આંગળી પાસે ફેક્ચર કરી તથા ફરીયાદીના દીકરાને ટચલી આંગળીમાં સામાન્ય ઇજા કરી તથા આરોપીઓએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદને ઢીકા પાટુનો માર મારીને ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તાકીદે ચાર આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.