હોસ્પિટલનો તમામ ખર્ચ અને પરિવારની જવાબદારી એસપી ડો. કરનરાજ વાઘેલાએ ઉઠાવી માનવતા મહેકાવી મોરબી : મોરબીમાં ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા જીઆરડી જવાનને અકસ્માત નડયો હોવાની ઘટના સામે આવી છે. આ જવાનને ગંભીર હાલતમાં તુરંત જ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ એસપી ડો.કરનરાજ વાઘેલાએ હોસ્પિટલ ખર્ચ અને પરિવારની જવાબદારી ઉઠાવી માનવતાં મહેકાવી છે. મોરબીમાં મોડી સાંજે આશરે 8:30 વાગ્યાની આસપાસ નટરાજ ફાટક નજીક ફરજ પૂર્ણ કરી ઘરે પરત જઈ રહેલા જીઆરડી જવાન વિજયભાઈ કાંતિલાલ મકવાણાએ બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો જેથી બાઈક રોડની સાઈડના પિલરમાં અથડાઈ ગયું હતું ત્યારે જ જીઆરડી જવાન વિજયભાઈ મકવાણાને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. આ વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલા સામાજિક યુવા આગેવાન અજયભાઈ લોરીયાએ 108ને જાણ કરી હતી અને જીઆરડી જવાન વિજયને લોહી લુહાણ હાલતમાં મોરબી સિવિલમાં બાદમાં માથામાં ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા સલાહ આપી હતી. ત્યારે આ વાતની જાણ મોરબી એસપી ડો કરનરાજ વાઘેલાને થતા તેઓએ જીઆરડી જવાનનો જીવ વધુ કિંમતી છે તેને કઈ ન થવું જોઈએ તેમ હાજર પરના અધિકારીઓને જણાવી એસપી ડો. કરનરાજ વાઘેલાએ જીઆરડી જવાન વિજયભાઈ મકવાણાને રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં ખસેડવા માટે તુરંત જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને એટલું જ નહીં જીઆરડી જવાનની તમામ સ્થિતિની જાણકારી ડોકટર હોવાના નાતે પણ મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલા દ્વારા લેવામાં આવી રહી છે સાથે જ મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલાએ જીઆરડી જવાનના તમામ હોસ્પિટલ ખર્ચ અને પરીવાર ની જવાબદારી ઉઠાવીને માનવતા ભર્યું કાર્ય કર્યું છે. આ બાબતે મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા સાથે વાત કરતા તેઓએ એ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે દિવસ રાત જોયા વિના પોતાના પરિવારને છોડી ફરજ બજાવતા જીઆરડી જવાનોના જીવ કિંમતી છે સાથે જ માણસાઈના નાતે પણ આપણે તેની મદદ કરવી જોઈએ અને અમે મોરબી પોલીસ તેની સાથે છીએ તેને કઈ નહિ થવા દઈએ કેમ કે જીઆરડીમાં ફરજ બજાવતા મોટા ભાગના લોકો સામાન્ય વર્ગમાંથી આવે છે ત્યારે તેઓ હોસ્પિટલ ખર્ચ ઉઠાવી શકે તેવી પણ આર્થિક સ્થિતિમાં હોતા નથી અને જો આવો બનાવ બને તો પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ જાય છે ત્યારે પોલીસની ફરજ બને છે કે તે જીઆરડી જવાનોની આવી કપરી સ્થિતિમાં મદદ કરે તેમજ તેના પરિવારનું પણ ધ્યાન રાખે. મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર હાલ ઇજાગ્રસ્ત જીઆરડી જવાનને માથામાં હેમરેજ છે જેમાં સવારે સર્જરી પણ કરવી પડી શકે છે ત્યારે મોરબી પોલીસ દ્વારા આ જીઆરડી જવાનને પૂરો સાથ સહકાર આપવામાં આવશે સાથે જ તેઓએ મોરબી પોલીસ અને જીઆરડી દ્વારા બજાવવામાં આવતી ફરજને પણ બિરદાવી હતી અને લોકોને પણ સાથ આપવા અપીલ કરી છે.