વાહકજન્ય રોગો વધુ ન ફેલાય તે માટે એન્ટી લાર્વલ, પેરા ડોમેસ્ટિક કામગીરી તથા કાયમી પાણીના સ્ત્રોત ગપ્પી માછલી મુકવાની કામગીરી કરવામાં આવશે ટંકારા : ટંકારા તાલુકામાં કોરોનાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રની સુચનાને પગલે ટંકારા તાલુકામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા સહિતના રોગોને અંકુશમાં લેવા સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી, નેકનામ, લજાઈ, નેસડા (ખાં.)માં સર્વેની કામગીરી હાલ ચાલુ છે. તે ઉપરાંત, મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વારેવડીયાની સૂચના અનુસાર વાહકજન્ય રોગો મેલેરિયા, ચિકન ગુનિયા, ડેન્ગ્યુ સામે અટકાયતી પગલાં લેવા માટે સઘન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ નજીક આવતી હોય એવા વાહકજન્ય રોગો વધુ ન ફેલાય તે માટે અગાઉથી એન્ટી લાર્વલ, પેરા ડોમેસ્ટિક કામગીરી તથા કાયમી પાણીના સ્ત્રોત ગપ્પી માછલી મુકવાની કામગીરી કરવામાં આવશે. આ તમામ કામગીરીનું સુપર વિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાસ્કર વિરસોડિયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા સુપરવાઈઝર દ્વારા કરાશે.