ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના હસ્તે પશુપાલકોને રૂ. ૬.૭૯ લાખના સહાયના ચેક અપર્ણ કરાયા હળવદ : હળવદ પંથકમાં વર્ષ ૨૦૧૯ માં થયેલી અતિવૃષ્ટિને કારણે તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના મોત નિપજયા હતા. જેથી, આ અંગે તાલુકા પંચાયત કચેરી દ્વારા જે તે સમયે સર્વે કરાયો હતો અને આજે અતિવૃષ્ટિમાં મૃત પામેલા પશુઓના વળતર માટે પશુપાલકોને હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય, અધિકારીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના હાથે ચેક અર્પણ કરાયા હતા. ગત ચોમાસામાં હળવદ પંથકમાં અતિવૃષ્ટિને કારણે તંત્રના સર્વે મુજબ પંથકમાં ૧૩૫ જેટલા પશુઓના મોત નિપજયા હતા. જેમાં ખાસ કરીને માલણીયાદ, ખોડ, કડીયાણા, માનગઢ, સુંદરી ભવાની, કોઇબા સહિતના ગામોમાં અતિવૃષ્ટિને કારણે પશુઓના મોત નિપજયા હતા. જેથી, આ અંગે પશુપાલકો દ્વારા મૃત પામેલા પશુઓના વળતર માટે ધારાસભ્યને રજૂઆત કરાઇ હતી. ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ અંગે રજૂઆત કરી પશુપાલકોના મૃત પામેલા પશુઓના વળતર માટે જણાવાયુ હતુ. જેથી, પશુપાલન મંત્રી દ્વારા પશુપાલકના હિતમાં નિર્ણય લઇ તેઓને મળતી રકમ મંજૂર કરી હતી. જેથી, ગઈકાલે હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકસિંહ જાડેજા, કેતનભાઈ પટેલ સહિતનાઓની હાજરીમાં અતિવૃષ્ટિમાં મૃત પામેલા પશુઓના વળતર માટે તાલુકાના ૧૯ પશુપાલકોને રૂપિયા ૬.૭૯ લાખના ચેક અર્પણ કરાયા હતા.