ગૌપ્રેમીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગ ઉઠાવી વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલી નીરાધાર ગૌશાળા દ્વારા આજરોજ ગૌશાળામાં રહેલા ગૌવંશને ભૂખ્યા-તરસ્યા ગૌશાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને આ ગૌવંશને ધોમધખતા તાપમાં ભટકવા માટે મજબુર કરી દેતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.ગૌપ્રેમીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. ગૌવંશને રસ્તે રઝળતાં છોડ્યા બાદ ટ્રસ્ટીઓએ ગૌશાળામાં આવેલ બોરની પાણીની મોટર અને પાઈપલાઈન પણ કાઢીને પોતાના ઘરે લઈ ગયા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. હાલ સમગ્ર ભારતમાં કોરોનાવાયરસના પગલે સંપૂર્ણ લોકડાઉનની હાલતમાં ગૌવંશ પર થયેલ આ અમાનુષી કૃત્યથી ટ્રસ્ટીઓ પર ચારે બાજુથી ફિટકાર વરસી રહ્યો છે.જ્યારે વાંકાનેરના ગૌપ્રેમીને આ બાબતની જાણ થતા તાત્કાલિક લીલો ઘાસચારો લઈ ગૌશાળાની આજુબાજુમાં રખડતી ગાયોને ખવડાવ્યો હતો જોકે આ નિરાધાર ગૌશાળા દ્વારા અવારનવાર ગ્રામજનો તેમજ સોસાયટીના લોકો પાસેથી ગૌશાળાના નામે ફંડ ઉઘરાવવામાં આવતું હતું પરંતુ તે ફંડનો ક્યાં ઉપયોગ થયો તે તપાસનો વિષય છે.પણ હાલ તો ગૌવંશને ભૂખ્યા તરસ્યાની હાલતમાં તરછોડી દેવાતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે અને આ ગૌશાળાના ટ્રસ્ટીઓ પર કાયદેસરના પગલાં ભરવાની તંત્ર સમક્ષ માંગ કરી છે.