બંદીવાન સાથે કઈ રીતે મુલાકાત થશે તેની પ્રોસેસ જેલ પ્રશાસને જાહેર કરી મોરબી : લોકડાઉનને લઈને જાહેર થયેલી માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાને લઈને મોરબી સબ જેલમાં અલગ અલગ ગુન્હાઓમાં રહેલા કાચા-પાકા કામના કેદીઓને તેઓના પરિજનો સાથે મુલાકાત કરવા માટે ઇ-વિઝીટની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી સબ જેલમાં રહેલા કેદીઓ સમયાંતરે અને નિયમ પ્રમાણે તેઓના પરિજનો સાથે મુલાકાત કરતા હોય છે. પરંતુ હાલ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું હોવાથી કેદીઓના તેઓના પરિજનો સાથેની મુલાકાતના હક્કો જતા કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા કેદીઓને તેના પરિજનો સાથે ઇ-વિઝીટની સુવિધા ઉપલબદ્ધ કરાવાઈ છે. જેની પ્રોસેસ જાહેર કરતા મોરબી સબ જેલના અધિક્ષકે વિસ્તૃત માહિતી આપી છે. જે મુજબ, કેદીઓના સગા-સબંધીઓએ 'eprisons.nic.in/public/my visit registration.aspx' વેબસાઈટ પર જઈ e-mulakat પર ક્લિક કરવાનું રહેશે. તેમાં ઓપન થયેલી વિન્ડોમાં 'visitor details' માં જઈ જેલમાં રહેલા કેદી/આરોપીના નામનું ફોર્મ ભરવાનું રહેશે. તેમજ 'submit' બટન પર ક્લિક કરી ઇ-મેઈલ અથવા મોબાઈલ નંબર પર જે OTP આવે તે નાંખવાનો રહેશે. ત્યાર બાદ જેલ પ્રશાસન દ્વારા સામેથી જ તેઓને તારીખ અને સમય મેસેજ અથવા ઇ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે. મુલાકાતીએ તેઓના મોબાઈલમાં 'video mobile' એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેલ દ્વારા ઇ-મેઈલમાં જે લિંક મોકલવામાં આવશે તેના પર ક્લિક કરી ઓપન થવાનું રહેશે. તથા વિડીઓ કોલનો પિન ઇ-મેઈલમાં લિંકની નીચે આપવામાં આવશે. તથા લોગીંગ કરતી વખતે જે પિન માંગે ત્યારે આપેલ પિન દાખલ કરવાનો રહેશે. ત્યાર બાદ કેદીના પરિજન વિડીઓ કોલિંગ મારફતે જેલમાં રહેલ બંદીવાન સાથે વાતચીત કરી શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારના નિયમો પ્રમાણે જે કેદીઓ-આરોપીઓને ટેલિફોન સુવિધા મળવાપાત્ર છે તેવા કેદીઓ જ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.