બીડીના ૭૦ બાંધા લઈને જતો બાઈક ચાલક ઝડપાયો હળવદ: લોકડાઉન દરમ્યાન માત્ર આવશ્યક ચીજ-વસ્તુઓનુ વેચાણ કરવાની જ છૂટ હોવા છતાં હળવદ શહેરમાં કેટલાક કાળાબજારિયાઓ બિન જરૂરી ચીજ-વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હોવાની બૂમરાણ વચ્ચે આજે હળવદ પોલીસ દ્વારા શહેરમાં છડેચોક બાઈક પર બીડીનો જથ્થો લઈ જતો એક શખ્સ ઝડપાયો હતો. ઝડપાયેલા શખ્સને પોલીસ મથકે લઇ આવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ કોરોનાની મહામારી સામે દેશ આખો લડી રહ્યો છે, ત્યારે હળવદમાં કેટલાક પાન-બીડીના ધંધાર્થીઓ માટે આફતનો આ સમય જાણે અવસર બનીને આવ્યો હોય તેમ પાન, બીડી,સિગારેટ, તમાકુના છુપા વેંચાણથી કાળાબજાર શરૂ કર્યા હોવાની બુમરાણ ઉઠી હતી. ઓછા રોકાણે વધુ રળી લેવાની લાલચમાં આજે હળવદનો એક પાન-બીડીનો ધંધાર્થી પોલીસની ઝપટે ચડી ગયો હતો. હળવદ શહેરમાં આવેલ દિપક સેલ્સ નામની દુકાન ધરાવતો દીપકભાઈ ઈન્દ્રવદનભાઈ રાવલ (રહે. હળવદ કરાચી કોલોની) પોતાની દુકાનેથી બિડીનો જથ્થો લઇ જઇ રહ્યો હતો એ દરમ્યાન બસસ્ટેશન રોડ પરથી હળવદ પોલીસના મુમાભાઈ રબારી, તેજશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને પોલીસ મથકે લઇ આવી ૭૦ બીડીના બાંધા અને એક બાઇક કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા હળવદ શહેરમાં તમાકુ, બીડીના કાળાબજાર કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.