હળવદ પોલીસે આ શખ્સ સામે ફરજની રૂકાવટનો ગુનો નોંધ્યો : અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હતો હળવદ : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે હાલ બીજા તબબકાનું લોકડાઉન ચાલી રહ્યું છે.તેથી હળવદમાં પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.દરમિયાન આજે હળવદની સરા ચોકડી પર નંબર પ્લેટ વગરના એક્ટિવા લઈને નીકળેલા એક શખ્સને ફરજ પરના પોલીસે અટકાવ્યો હતો.આથી આ શખ્સ રોષે ભરાયને પોલીસ કર્મીને ગાળો તથા ધમકી આપીને ફરાર થઈ ગયો હતો.આથી હળવદ પોલીસે તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડિયાએ હળવદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો ચમનભાઈ પટેલ સામે ફરજમાં રૂકાવટ કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસ સ્ટાફ આજે હળવદની સરા ચોકડી પર લોકડાઉનની ફરજ બજાવી રહ્યા હતા તે સમયે આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો ચમનભાઈ પટેલ પોતાનું નંબર વિનાનું એક્ટિવા લઈને નીકળ્યો હતો.આથી લોકડાઉનમાં નંબર પ્લેટ વગરના બાઇક પર અને કામ વગર નીકળતા ફરજ પરના પોલીસ સ્ટાફે તેને અટકાવીને પૂછપરછ કરી હતી.પણ આ શખ્સ લાજવાને બદલે ગાજીને' ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે'ની જેમ ફરજ પરના પોલીસને ગાળો ભાંડીને ધમકી આપીને પોતાનું એક્ટિવા બાઇક પર ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ આરોપીની અગાઉ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી હતી.જોકે હળવદમાં પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા અમુક તત્વો કપરા સમયમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસને ધમકી આપીને તેમનું મોરલ ડાઉન કરતા હોવાથી લોકોમાં આવા તત્ત્વો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.હાલ તો પોલીસ મથકના પીઆઈ સંદિપ ખાંભલા દ્વારા આરોપી શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે